શુક્રવાર, 28 એપ્રિલ, 2017

બાહુબલી ૨ : ધ કન્ક્લ્યુઝન


આખરે ૨ વર્ષથી જે સવાલ લોકોના મગજને કોરી ખાતો હતો એનો જવાબ રાજામૌલીએ આપી જ દીધો. કે શું કામ કટપ્પાએ બાહુબલીને માર્યો હતો ? પણ અહિયાં એ સવાલનો જવાબ નથી આપી રહ્યો હું, કેમ કે એ જવાબ જાણવા તો તમારે થિયેટર સુધી જવું જ રહ્યું. હું તો આવ્યો છું અહિયાં ફિલ્મની ભવ્યતાની વાત કરવા માટે.

આખા વિશ્વમાં ૮૫૦૦ સ્ક્રીન પર રીલીઝ થયેલી ગ્રાન્ડ ફિલ્મએ સ્ક્રીનરીલીઝમાં પણ એક રેકોર્ડ બનાવી નાખ્યો છે. ફિલ્મ જ્યારે એનાઉન્સ થઇ ત્યારે ફિલ્મના પ્રોડ્યુસર દ્વારા ફિલ્મનું બજેટ ૨૫૦ કરોડ આંકવામાં આવ્યું હતું પરંતુ સમય જતા બીજો ભાગ બનાવવા પાછળ બજેટ થોડું વધુ થઇ ગયું.
પરંતુ ફિલ્મની ભવ્યતા જ એટલી છે કે પહેલા ભાગની રીલીઝ પછી તો જાણે નક્કી જ થઇ ચુક્યું હતું કે બીજો ભાગ મેગા હિટ જ થવાનો છે એટલે એ ફિલ્મના સેટેલાઈટ રાઈટ્સ લેવા માટે ખુબ જ હરીફાઈ લાગી હતી અને ફિલ્મના એ રાઈટ્સ જ ૫૦૦ કરોડમાં વેચાઈ ગયા. આમ ફિલ્મ રીલીઝ પહેલા જ ૫૦૦ કરોડનો વકરો કરી ચુકી હતી. આટલી બધી સ્ક્રીન્સમાં એકસાથે બધા શો હાઉસફુલ જઈ રહ્યા છે એટલે ફિલ્મ એક જ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી જાય તો નવાઈ નથી.

વર્તમાન સમયમાં અને નજીકના ભવિષ્યમાં એસ. એસ. રાજામૌલી જેવા કામની નજીક પણ જઈ શકે એવો ડાયરેક્ટર દેખાઈ નથી રહ્યો. આટલું ક્લીયર વિઝન લઈને આ વ્યક્તિએ ભારતને એક એવી ફિલ્મની ભેટ આપી છે જેનું નામ લઈને આપણે આખા વિશ્વની ફિલ્મો સામે ટક્કર લઇ શકીએ છીએ. એક એક બાબતને ઝીણવટપૂર્વક ઓબ્ઝર્વ કરીને ફિલ્મમાં જાન રેડી દીધી છે. આટલું ભવ્ય ઈમેજીનેશન અને વિશાળ વિઝન ખુબ રેર લોકોમાં જોવા મળતું હોય છે. રાજામૌલી વિષે અને તેના કામ વિષે લખવા માટે પણ હવે તો શબ્દો ખૂટે છે એટલે ફક્ત થેંક્યું જ કહેવું રહ્યું.

આટલું મોટું સસ્પેન્સ, સુંદરતા, શૃંગારરસ, પ્રેમરસ, શોર્યરસ, છલકતું પૌરુષત્વ, જે વસ્તુઓ આપણે વિચારી પણ નાં શકીએ ત્યાં સુધીની રણનીતિઓ, ભરપુર ક્રિયેટીવીટી, સીટીઓ વગાડવા મજબુર કરી દેતા સીન્સ, રુવાડા બેઠા કરી દેતા યુદ્ધ દ્રશ્યો, ડાયલોગ્સ, વિઝ્યુઅલ ઈફેક્ટસ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ ખરેખર એક અલગ લેવલ પર જ બનાવી છે.

આ ફિલ્મ કોઈ ફિલ્મનો ભાગ છે એવું ફક્ત એક કટ્ટપ્પા વાળા સિક્રેટથી જ લાગે છે બાકી સંપૂર્ણપણે એક સ્વતંત્ર ફિલ્મ છે જેમાં કોઈ પણ દ્રશ્ય કે કોઈ પણ વસ્તુ રીપીટ થતી હોય એવું નથી લાગતું. નવી નવી યુદ્ધકલા, એકલો વીરપુરુષ આખી સેના પર ભારી પડે એવા યુદ્ધકૌશલ, સીટ પર જકડી દે એવી એક્શન સિક્વન્સ, ઘૃણા આવી જાય અને એની પહાડી કાયા અને પૌરુષી શુરાતન જોઇને ડરી જવાય એ હદની અસરકારક છાપ ઉભી કરનાર વિલન, ક્યારેય લાઈફમાં જોયા નાં હોય એવા શસ્ત્રો, રાજગાદી માટે રમાતા ષડ્યંત્ર, ભારતીય સૌન્દર્યથી ભરપુર એવી અપ્સરાસમાન નાયિકાઓ જે આંખોની સાથે સાથે તલવાર અને તીરકામઠાથી પણ વાર કરી શકે. આ બધું જ જાણે નજર સામે એવી રીતે આવે છે કે આસપાસ શું થઇ રહ્યું છે એ પણ ભૂલી જઈએ.

ફિલ્મમાં નબળું પાસું હોય તો એ હતું ફિલ્મનું મ્યુઝીક. જરૂર વગરના ગીતો જેમાં એવી ખાસ કશું જ નથી કે જેનાથી એ ગીત ગાવાનું મન થાય. બેકગ્રાઉંડ સ્કોર ઠીકઠાક છે. વિઝ્યુઅલ ઈફેક્ટસ માટે આ ફિલ્મ એક માઈલસ્ટોન સમાન સાબિત થશે. પરંતુ આ વખતે કોમ્પ્યુટર ગ્રાફિક્સ ઈમેજથી બનાવેલા પ્રાણીઓ અને અમુક દ્રશ્યો થોડા વિચિત્ર લાગી રહ્યા છે. એક જ વારમાં ૩ તીર છોડી શકાય એવું આ ફિલ્મ જોયા પછી ખબર પડી.

આ ફિલ્મ પછી પ્રભાસ ઇન્ડિયાનો સૌથી મોટો એક્ટર બની ચુક્યો છે અને તે તેની મહેનતનું પરિણામ છે. પોતાની કેરિયર સાથે ૫ વર્ષનો રમેલો જુગાર આખરે ફળ્યો. 5 વર્ષ ફક્ત એક જ પ્રોજેક્ટ પર કોન્સન્ટ્રેશન રાખવું એ ધીરજ માંગી લેતું કામ છે. જે પ્રભાસે પુરા હૃદયથી નિભાવ્યું છે. જ્યારે રાણા દગુબ્બતીની એક્ટિંગ પણ કોઇથી કમ નથી. પહેલા ભાગમાં ઉમરલાયક સ્ત્રીનો રોલ કરી રહેલી અનુષ્કા શેટ્ટી ફિલ્મના બીજા ભાગમાં સુંદરતાની મૂર્તિ દેખાઈ રહી છે. નસીર, રમ્યા કૃષ્ણન અને સત્યરાજ માટે પણ પોતપોતાની કેરિયરની બેસ્ટ એક્ટિંગ કરી છે.

બાહુબલી ૨ ની કેટલીક રસપ્રદ વાતો :-
૧.) બાહુબલીના આ બીજા ભાગનાં ફક્ત ક્લાઈમેક્સના દ્રશ્યને શૂટ કરવા માટે ૩૦ કરોડ રૂપિયા ખર્ચાયા છે.
૨.) ફિલ્મ રીલીઝ પહેલા જ સેટેલાઈટ રાઈટ્સથી જ ૫૦૦ કરોડ કમાઈ ચુકી છે.
૩.) ભારતની પહેલી એવી ફિલ્મ છે જે
4K હાઈ ડેફીનેશન ફોરમેટમાં દેખાડશે.
૪.) આ ફિલ્મની વિઝ્યુઅલ ઈફેક્ટ તૈયાર કરવા માટે ૬૦૦ આર્ટીસ્ટને કામ પર લગાવ્યા છે.
૫.) ફિલ્મ ડાયરેક્ટર એસ એસ રાજામૌલીએ એની લાઈફમાં આજ સુધી સીન્ગલ ફ્લોપ મુવી નથી આપી. એની દરેક મુવી સુપરડુપર હીટ રહી ચુકી છે.
૬.) આ ફિલ્મમાં ૩ ક્લાઈમેક્સ શૂટ કરવામાં આવ્યા હતા જેના કારણે કદાચ મુવી લીક થાય તો ક્લાઈમેક્સ બદલી શકાય.

ફિલ્મ વિષે હજુ વધુ જાણવા માટે નીચેની લીંક ક્લિક કરો.
૧.)
http://yadav-writing.blogspot.ae/2015/07/blog-post_15.html
૨.)
https://www.facebook.com/permalink.php?story_fbid=913602428704076&id=100001629829204

Ratings :- 4.5/5


જય માહિષ્મતી

ટિપ્પણીઓ નથી: