ગુરુવાર, 20 એપ્રિલ, 2017

ભગવાન ભલું કરે...

બપોરના સમયનો એ કાળઝાળ તડકો વાતાવરણમાં ઉષ્મા ભરી રહ્યો હતો. સખત ગરમીના કારણે વાતાવરણમાં અને આ ગરમી સહન કરતા લોકોમાં ઉકળાટ હતો. તેમ છતાંય આ માયાવી મુંબઈનગરીના લોકોની ભાગદોડ ભરી ઝીંદગી ચાલુ જ હતી, એ જ ગતિએ, એ જ સમયે, એ જ ઉત્સાહથી. દરેક કશુંકને કશુંક મેળવવા, સાબિત કરવા અને ગુઝરાન ચલાવવા માટે આમ તેમ દોડીને પોતાની જિંદગીનો અમૂલ્ય સમય પોતાના કામમાં ફાળવી રહ્યો હતો.
મુંબઈ લોકલ ટ્રેનના એનાઉન્સમેન્ટ સતત ચાલુ જ હતા અને લોકો જાણે કોઈ વર્ષોની કેદમાંથી છૂટીને ભાગી રહયા હોય એમ આમ તેમ દોડી રહયા હતા અને ટ્રેનમાં લટકી લટકીને જઈ રહ્યા હતા. એવામાં એક ૨૮ વર્ષનો નવયુવાન ઝડપથી એક નાની લેપટોપ સાઈઝની બેગ લઈને ચડ્યો અને ૨ સ્ટેશન બાદ જગ્યા મળી જતા ત્યાં બેઠો. બારીની બહાર નજર કરીને ક્યાંક ખોવાયેલો એ યુવાન પોતાની ઝીંદગીમાં આવેલી તકલીફો વિષે વિચાર કરી રહ્યો હતો. એટલામાં જ એક ૩૫ વર્ષની ઉમરના એક ભાઈ આવીને તેની પાસે બેઠા. એટલે તે યુવાનનું ધ્યાન તે ભાઈ પર પડ્યું અને આ બધા વિચારો એક બાજુ મૂકીને તેની સાથે વાત કરવાનું મન થયું એટલે તેણે પેલા ભાઈને ખબર અંતર પૂછ્યા. તો પેલા ભાઈએ કશુય બોલ્યા વગર ફક્ત આકાશમાં ઈશારો કરીને સમજાવ્યું કે “ભગવાન ભલું કરે”
કોણ ભગવાન ? એ જો બધાનું ભલું કરતો હોત તો મારી આ પરિસ્થિતિ નાં હોત. ઘરમાં પાપા રીટાયર છે. મમ્મીની તબિયત સારી નથી રહેતી એટલે એની દવાઓનો ખર્ચો, પત્ની છોકરીઓના ડ્રેસની સિલાઈ કરી કરીને ઘરમાં થાય એટલી મદદ કરે છે અને છેલ્લા એક અઠવાડિયાથી મને બોસએ નોકરીમાંથી કાઢી મુક્યો છે. બીજી કોઈ જગ્યાએ મને નોકરી નથી મળતી. પૈસાની તંગીના કારણે ઘરમાં ઝઘડાઓ શરુ થઇ ચુક્યા છે. એક તરફ ઘરની લોનના હપ્તા, લેણદારોને દેવાના નીકળતા પૈસા અને તેનું વ્યાજ અને ઘરનું ગુજરાન આ બધું કેવી રીતે પાર પાડવું કઈ જ સમજાતું નથી. ઘરમાં આટલો કંકાસ છે કે ૨ દિવસ પહેલા મારાથી મારી પત્ની પર હાથ ઉપાડાઈ ગયો અને એ રિસાઈને એના પિયર જતી રહી છે અને તે પણ હવે પાછી આવવા તૈયાર નથી. હું કેટલો હલકટ માણસ છું કે મારી તો નોકરી ગઈ અને હું કશું કરતો પણ નથી અને મારી પત્ની તો એટલીસ્ટ ખાવાનો ખર્ચો નીકળે એટલું કમાઈને ઘરે મદદ કરી રહી હતી તોય મારો ગુસ્સો મેં એના પર ઉતાર્યો. એ એની રીતે સાચી જ છે. અત્યારે ભલે મારો ફોન સુદ્ધા નથી ઉપાડી રહી પરંતુ જેવી ક્યાંક નોકરી મળે અને બધું ઠેકાણે પડી જશે એટલે તરત જ હું તેને પાછી લઇ આવીશ. અત્યારસુધીના દરેક સંકટમાં એ મારી જોડે રહી છે. કોઈ પણ ફરિયાદ કર્યા વગર, કોઈ પણ મ્હેણાં ટોણા માર્યા વગર, જેટલું હોય એટલામાં જ એડજસ્ટ કરીને ચુપચાપ એ ઘર સાચવી રહી હતી એને હું મારું ફ્રસટ્રેશન એના પર ઉતારવા લાગ્યો. આમને આમ એ નવયુવાન સતત ૧૫-૨૦ મિનીટ સુધી બોલ્યો અને પેલા ભાઈએ શાંતિથી તેમની વાત સાંભળી. આખરે પેલા યુવાનની વાતો પૂરી થઇ અને જાણે લાગ્યું કે મનનો બધો ભાર હલકો થઇ ગયો. અંદર ભરાયેલી ચિંતા, ગુસ્સો બધું જાણે પેલા અજાણ્યા માણસ પાસે બહાર આવી ચુક્યું હતું. એવી વાતો પણ એણે કરી હતી જે તેના નજીકના મિત્રોને પણ ખબર નહોતી.
તે નવયુવાન આ અજાણ્યા માણસ પાસે બધું જ બોલી ગયો કારણ કે તે માણસે તેનું શાંતિથી સાંભળ્યું હતું. જીવનના ઘણા સમયકાળ દરમિયાન દરેકને કોઈ એક એવો વ્યક્તિ જોઈતો હોય છે કે જે તેને શાંતિથી સાંભળે, તેને સમજે. માણસને હૈયું ઉલેચવા માટે કોઈને કોઈની તો જરૂર પડતી જ હોય છે અને જેવું એ માણસ મળી જાય એટલે તરત જ એ ઉલેચી નાખતો હોય છે. આ નવયુવાનને પણ તે સમયે મગજમાં ભરાયેલો વિચારોનો કચરો પેલા ભાઈ પાસે ઠાલવી નાખ્યો હતો. એટલામાં જ સ્ટેશન આવ્યું અને તે ભાઈ ત્યાંથી ઉભા થઈને ઉતારવા લાગ્યા. જતા જતા એટલું જ બોલ્યા કે “હિંમતે મર્દા તો મદદે ખુદા. જે થાય તે બધું સારા માટે જ થાય.”
આટલી વાર સુધીમાં એ માણસ ફક્ત એક જ વાક્ય બોલ્યો અને એ પણ આવું ? પેલા યુવાનને ખુબ ગુસ્સો ચડી ગયો કે આટલું બધું એને કહ્યું અને આ બધું સારા માટે થાય છે ?? આમાં શું સારા માટે થયું ? બબડીને આખરે તે યુવાન પોતાના સ્ટેશન પર ઉતરી ગયો.
રાત્રે ઘરે પથારીમાં પડ્યો પડ્યો વિચારી રહ્યો હતો કે કદાચ પેલા ભાઈની વાત સાચી પણ હોઈ શકે. નોકરી કોઈ આપતું નથી તો હવે મારે પોતાનો બીઝનેસ શરુ કરવો જોઈએ. કદાચ મારું નસીબ કામ કરી જાય. હિંમત કરવાનું કહ્યું જ છે પેલા ભાઈએ તો હવે હિંમત કરી જ નાખીએ.
સવાર ઉઠતામાં જ પાપાએ બેંકમાં મુકેલી ફિક્સ ડિપોઝીટ તોડીને બધા જ પૈસા લઇ આવ્યો અને કોમ્પ્યુટર રીપેરીંગની એજન્સી કરી. પુરા મન સાથે આખરે તેણે આ ધંધામાં જંપલાવ્યું અને એ મહેનત આખરે ફળી. ઘરે જઈને કોમ્પ્યુટરનું રિપેરિંગ કરનાર આ એજન્સી ૧૧ મહિનામાં આખા મુંબઈ શહેરમાં ફેમસ થઇ ચુકી હતી અને હવે તો તેની નીચે પણ ૪૦ લોકોનો સ્ટાફ કામ કરી રહ્યો હતો. મોટો શેઠ બની ચુકેલો તે યુવાન તેની બધી જ તકલીફોમાંથી જાણે મુક્ત થઇ ચુક્યો હતો. ઘરની લોન ભરપાઈ થઇ ગઈ હતી, પત્ની પણ પાછી સાસરે આવી ચુકી હતી. બધા લેણદારોના પૈસા પણ ચૂકવાઈ ગયા હતા. એ ઉપરાંત હવે તે યુવાન પાસે પોતાની ગાડી પણ હતી. તે રોજ તે ભાઈને યાદ કરી કરીને દુવાઓ આપતો કે તેણે મને જો તે દિવસે મને પુરેપુરો સાંભળીને તે શબ્દો નાં કહ્યા હોત તો આજે મારું શું થયું હોત એ નાં ખબર હોત. કાશ ! એકવાર તે ભાઈ મળી જાય તો એનો પુરા હૃદયથી આભાર વ્યક્ત કરવો છે.
દિવસો પસાર થતા ગયા અને પેલો યુવાન રોજે તે ભાઈને યાદ કરીને જ કામની શરૂઆત કરતો. એક દિવસ પોતાની કારમાં પંક્ચર થયું અને એક જગ્યાએ પહોચવાની ઉતાવળ હતી. સ્ટાફની બીજા કોઈની ગાડી લઇ જાય પણ ટ્રાફિક નડે તો મોડું થાય એમ હતું આથી તેણે ટ્રેનમાં જવાનું જ નક્કી કર્યું. ટ્રેનમાં ચડતી વખતે તેને ફરીથી એ દિવસ યાદ આવ્યો જે દિવસે તે પેલા ભાઈને મળ્યો હતો અને તેની જિંદગી બદલાઈ ચુકી હતી. આ વિચારો કરતો કરતો બેઠો હતો અને અચાનક તે ભાઈ ફરીથી ટ્રેનમાં દેખાયા અને તે યુવાનની બાજુમાં જ આવીને બેઠા. યુવાનના આશ્ચર્યનો પાર નાં રહ્યો. થોડીવાર તો તેની સામે જ જોઈ રહ્યો અને પછી તરત જ તે ભાઈને ભેટી પડ્યો, તેની આંખોમાં આજે હરખના આંસુ હતા અને મોઢામાંથી બસ એક જ વાક્ય નીકળી રહ્યું હતું કે “તમારો ખુબ ખુબ આભાર.. આજે જે કઈ છું તે તમારા કારણે છું.” પછી તેના જીવનમાં આવેલો બદલાવ અને પ્રગતિ વિષે માંડીને તે ભાઈને વાત કરી અને તે ભાઈ ચુપચાપ તેની સામે જોઇને શાંતિથી બેઠા હતા.
તે ભાઈ એકદમ શાંત જ હતા. હજુ પણ કશુય બોલી નહોતા રહ્યા એટલામાં જ તેમનું સ્ટેશન આવ્યું અને ટ્રેઈનમાંથી ઉતરતી વખતે ફરીવાર એ જ વાક્ય બોલ્યા, “ભગવાન ભલું કરે... હિંમતે મર્દા તો મદદે ખુદા. જે થાય તે બધું સારા માટે જ થાય.”
આ સાંભળીને તે યુવાનને તે ભાઈ વિષે વધુ જાણવાની જીજ્ઞાસા જાગી અને તેની જોડે જ તે પણ સ્ટેશન પર ઉતરી ગયો. સ્ટેશન પર ઉતરીને બહાર નીકળતા હતા ત્યાં જ ૨ આદમી આવ્યા અને તે ભાઈને જબરદસ્તી બાઈક પર બેસાડવા લાગ્યા. આ જોઇને પેલો યુવાન દોડીને તેની પાસે પહોચી ગયો અને તેમને આવું કરવાનું કારણ પૂછ્યું. તો એ ભાઈએ જવાબ આપ્યો, “અરે આ મારા મોટાભાઈ છે. થોડા પાગલ જેવા છે અને બહેરા છે એટલે કશું સાંભળી નથી શકતા. ફક્ત ૨ વાક્ય બોલ્યા કરે, “ભગવાન ભલું કરે... હિંમતે મર્દા તો મદદે ખુદા. જે થાય તે બધું સારા માટે જ થાય.” આ સિવાય કશું બોલતા પણ નથી. રોજ ઘરમાંથી ભાગી જાય છે અને આ સ્ટેશન પર જ ઉતરી જાય છે એટલે અમારે રોજે તેને અહિયાંથી લઇ જવા પડે છે.”
તે યુવાન તો આ સાંભળીને સ્તબ્ધ થઇ ગયો. બાઈકની ગરરાટીનો અવાજ સંભળાયો અને યુવાન આકાશમાં જોઇને બોલ્યો, “ભગવાન ભલું કરે.”

સમાપ્તિ...

ટિપ્પણીઓ નથી: