મંગળવાર, 11 એપ્રિલ, 2017

મીઠી ખીર...

છેલ્લા ૫.૫ મહિનાથી ચાલી રહેલી ડિવોર્સની પ્રોસેસમાં વિસ્મય અને વલ્લરી ભેગા થવા માટે રાજી નહોતા. કોઈ પણ સંજોગોમાં બસ તેમને અલગ થઇ જવું હતું. ૨ વર્ષનું પ્રેમલગ્ન આખરે એક દુઃખદ અંત તરફ જઈ રહ્યું હતું. રોજબરોજના સતત થતા ઝઘડાઓ, એડજસ્ટ કરવાની મથામણથી આખરે કંટાળીને બંનેએ ડિવોર્સની અરજી ફાઈલ કરી દીધી હતી અને તેમ છતાં કોર્ટ દ્વારા ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો કે હજુય કદાચ બંને વચ્ચે મનમેળ થઇ જાય.
બંનેના દોસ્તો આવીને ખુબ સમજાવી ચુક્યા હતા, ખુબ બધા કલાકો આ સબંધને સાચવવાની ચર્ચાઓમાં ખર્ચાયા હતા પણ તેમ છતાંય વિસ્મય અને વલ્લરી પોતાની વાત પર અડગ હતા કે તેઓ હવે ફરીથી ભેગા થવા માંગતા નથી.
ડિવોર્સ ફાઈલની એક આખી કોપી ફાઈલ અને બંને વચ્ચેની સમજૂતી અને ભરણપોષણ અંગેની વિગતો વ્યવસ્થિત કરીને વકીલે વિસ્મયને આપી હતી અને સરખી રીતે જોઈ સમજી વિચારીને વાંચીને સહી કરવાનો નિર્ણય લેવા માટે કહ્યું હતું. વકીલે જાણી જોઈને બંને વચ્ચે એક જ ફાઈલ આપી હતી જેથી કરીને હજુય કદાચ એક નિર્ણય બદલી શકાય તો બે જિંદગી બગડતી બચી શકે. વલ્લરીએ પોતાનો એકેય સમાન હજુ વિસ્મયના ઘરેથી લીધો નહોતો. પરંતુ આ ફાઈલની વિગતોની ચર્ચા કરવા માટે વિસ્મયે તેને ઘરે બોલાવી હતી ત્યારે બધું જોડે જ લેતી આવશે એવું નક્કી કર્યું હતું.
ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું, ઘરનો અસબાબ જાણે કે વેરણછેરણ વિખરાયેલો હતો. ધીમો ધીમો પંખો ફરી રહ્યો હતો અને આરામખુરશીમાં વિસ્મય પંખા સામે જોઈને કશાક વિચારોમાં ગળાડૂબ ડૂબેલો હતો. વલ્લરીના ગયા પછી પણ વિસ્મયે કોઈ કામવાળા કે રસોયા રાખ્યા નહોતા કારણ કે ઘરે આવ્યા પછીનો સમય પણ કામ કરવામાં જ જતો રહે તે માટે થઈને વિસ્મય જાતે જ રસોઈ કરતો અને જમીને કોઈ બુક વાંચીને સુઈ જતો. ખુલ્લી બારીમાંથી ધીમો ધીમો આવતો પવન વલ્લરીની ગાડીનો અવાજ પણ જોડે લઈને આવ્યો હતો પરંતુ વિસ્મય વિચારોમાં મગ્ન હોવાના કારણે સાંભળી ના શક્યો. વલ્લરી ઘરમાં પ્રવેશતા જ જાણે ઘરમાં કંઈક સજીવન થયું હોય એવું વિસ્મયને મહેસુસ થયું કારણ કે કરોડો રૂપિયાનો બંગલો પણ એક સ્ત્રી વિના તો ફક્ત "મકાન" જ હોય છે, તેને “ઘર” તો ઘરની સ્ત્રી જ બનાવતી હોય છે.
વિસ્મય !! વિસ્મય !! વલ્લરીએ વિસ્મયને દૂરથી બોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કોઈક અલગ જ દુનિયામાં ખોવાયેલો હોય એવું લાગ્યું. આથી વલ્લરી તેની નજીક ગઈ અને જોયું તો વિસ્મયના હાથમાં વલ્લરીએ લખેલા પ્રેમપત્રો, લિપસ્ટિકથી હોઠના નિશાન બનાવેલા રૂમાલ, ગ્રીટિંગ કાર્ડ્સનો થપ્પો હતો અને વિસ્મયની આંખમાં એ પ્રેમને ધોઈને લઇ જતા આંસુઓનો ધોધ. બાજુના સોફા પર જ વલ્લરીએ ગિફ્ટ કરેલા બોક્સ અને તેના રેપર પણ વિસ્મયે સાચવી રાખેલા હતા જે વલ્લરીએ આજે છેક જોયા હતા. આ બધું જોઈને વલ્લરી પણ થોડી ઢીલી તો પડી ગઈ હતી પરંતુ પોતાની જાત પર કાબુ રાખીને વિસ્મયના ખભા પર હાથ મૂકીને બોલી, "વિસ્મય !! શું છે આ બધું ? ક્યાં ખોવાઈ ગયો ? હું ક્યારની આવી છું અને તારું ધ્યાન પણ નથી ?"
વિસ્મય અચાનક જ જાણે તંદ્રામાંથી ઝબકીને બધું સમેટવા લાગ્યો અને વલ્લરી સામેના સોફામાં બેસી ગઈ.
"લાવ ફાઈલ અને બધા ડોક્યુમેન્ટ્સ, એટલે બધું ચેક કરીને પછી હું જાવ અહિયાથી.", વલ્લરી થોડા ઉતાવળા શબ્દોમાં બોલી ગઈ.
"અરે પણ થોડીવાર શ્વાસ તો લે, બેસ થોડી વાર હું તારા માટે પાણી લઇ આવું છું.", વિસ્મય આજે થોડો શાંતિથી જવાબ આપી રહ્યો હતો.
બસ હવે ૧૫ દિવસમાં તો આમ પણ ડિવોર્સ થઇ જશે તો પછી ઝઘડો કરીને કોઈ મતલબ નથી એવું વિચારીને વલ્લરીએ પણ થોડી શાંતિથી જવાબ આપ્યો, "સારું ! લે બેઠી છું, તું કેમ છે ? કેવું ચાલે તારે ? જમવાનું શું કરે છે ? કોઈ મહારાજ રાખ્યા છે ?"
"ના ના !! કોઈ મહારાજ નથી. હું જાતે જ રસોઈ બનવું છું અને એકલો એકલો જમું છું રોજે. પણ ટેવ પડી ગઈ છે હવે તો. અને કામ તો બસ ચાલ્યા કરે છે, કશું નવું નથી લાઈફમાં.", વિસ્મય પણ એક દોસ્તની સામે વાત કરી રહ્યો હોય એ રીતે બોલ્યો.
"હેય વલ્લરી !! તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો એક વાત કહું ? તું આજ પછી તો આમ પણ આ ઘરમાં શાયદ નથી જ આવવાની તો પછી જમીને જજે ને ! છેલ્લી વાર મારી સાથે જમી લે ને, જો તને કોઈ તકલીફ ના હોય તો જ. કોઈ જબરદસ્તી નથી. હું તને ભાવતી ખીર બનાવીશ તારા માટે.", વિસ્મય થોડો આજીજીના સુરમાં બોલ્યો.
વલ્લરી થોડી સેકન્ડ માટે ભૂતકાળમાં ખોવાઈ ગઈ કે જે માણસ ચા બનાવતા પણ નહોતો જાણતો એ આજે મને રસોઈ કરીને જમાડશે અને એ પણ ખીર !! વાહ !!
"સારું હું આજે અહીંયા જમી લઈશ બસ, સારું કર્યું તે જ કહી દીધું નહીંતર હું આજ સાંજે તને આમંત્રણ આપવાની જ હતી કે છેલ્લી વાર ક્યાંક હોટેલમાં અથવા તો મારા ઘરે જોડે બેસીને જમીએ. પણ તે કહી જ દીધું છે તો હવે અહીંયા જ જમીશું.", વલ્લરીએ મંદસ્મિત સાથે જ જવાબ આપ્યો.
"થેંક્યુ વલ્લરી ! થેન્ક્સ ફોર એક્સેપટિંગ માય ઇન્વિટેશન", વિસ્મય થોડો હરખાઈને બોલ્યો.
"જાવ નવા મહારાજ, મારા માટે ખીર બનાવો." વલ્લરીએ વાતાવરણને હળવું બનાવવા વિસ્મયની ટાંગ ખીચાઈ કરતી મજાક કરી.
વિસ્મય ડિવોર્સની ફાઈલ અને ડોક્યુમેન્ટ્સ વલ્લરીને આપીને રસોડામાં ગયો અને વલ્લરીએ તે ફાઈલની બાજુમાં ત્યાં પડેલા તેણે લખેલા પ્રેમપત્રો ઉપાડીને જોયા, વાંચ્યા અને તેણે વિસ્મયને આપેલી ગિફ્ટના બોક્સ અને રેપર પણ જોયા અને લાગણીનો એક ધોધ જાણે એકસામટો દરવાજા તોડીને બહાર નીકળ્યો હોય એમ વલ્લરીની આંખમાંથી નીકળી ગયો. એક હાથમાં ફાઈલ અને બીજા હાથમાં એના પ્રેમનો દરિયો જે બંનેમાંથી આજે એ દરિયો છૂટી જવાનો હતો. તે વિચારોમાં ખોવાઈ ગઈ હતી એટલામાં જ રસોડામાંથી અવાજ આવ્યો, "વલ્લરી ! રસોડામાં જાયફળ ક્યાં રાખતી તું ? મેં ક્યારેય ખીર બનાવી નથી એટલે ખબર નથી કે ક્યાં છે"
ફટાફટ આંખ સાફ કરીને વલ્લરી દોડતી રસોડામાં ગઈ અને જોયું તો દૂધ અને ચોખા ઉકાળવા મૂકીને વિસ્મય બટેટાની સૂકીભાજી બનાવી રહ્યો હતો. "પેલા છેલ્લા ખાનાના બીજા ડબ્બામાં જાયફળ પડેલું હશે ત્યાંથી લઇ લે, આખરે રસોડાની માલિકે રસોડામાં આવવું જ પડ્યું કેમ કે નવા મહારાજને ખબર નથી કે વસ્તુઓ ક્યાં પડી છે ?", વલ્લરી બંને હાથ કમર પર રાખીને બડાઈ મારતી હોય એમ બોલી.
"હા ! કારણ કે રસોડામાં પોતાના પ્રેમાળ હાથથી રસોઈ બનાવતા તો ઘરની નારી જ શોભે, એ રસોડું કદાચ આજે પણ એની માલિકની રાહ જોઈ રહ્યું છે પરંતુ હવે એને કદાચ ક્યારેય એની માલિક સાથે મુલાકાત નહિ થાય.", વિસ્મય જાણે આ સબંધને હવે ફરીથી બચાવવા નબળો પ્રયાસ કરી રહ્યો હોય એમ બોલ્યો.
વલ્લરી ઘડીક કશુંય બોલી ના શકી પરંતુ એની આંખોએ દરેક શબ્દો બહાર કાઢી નાખ્યા. વલ્લરી ફટાફટ દોડતી મેઈન રૂમમાં ગઈ જ્યા પોતાની ડિવોર્સની ફાઈલ પડી હતી એ લઈને રસોડામાં આવી અને એક એક ડોક્યુમેન્ટ્સ ફાડી ફાડીને ખીર ઉકળતી હતી ત્યાં તપેલીની નીચે ગેસ પર સળગાવતી ગઈ. બંને વચ્ચેનો ઝઘડો અને ગેરસમજણ જાણે તે ગેસ પર સળગી રહી હતી અને ખીર બની રહી હતી. વિસ્મય આ બધું જોઈ રહ્યો પણ એક શબ્દ પણ ના બોલી શક્યો. આખરે એ પણ અંદરથી તો ખુશ જ થયો હતો જે સબંધને બચાવવા માટે તેના દોસ્તોએ આટલી મહેનત કરી હતી અને તેમ છતાંય અટક્યો નહોતો એ સબંધ આજે ફક્ત એક નાની એવી ઘટનામાં સચવાઈ ગયો. થોડી જ વારમાં વલ્લરીએ બાકીની બધી રસોઈ બનાવી નાખી. તે સમય દરમિયાન વિસ્મય રસોડામાં તેની બાજુમાં ઉભો ઉભો બસ વલ્લરીને પ્રેમભરી નજરે નિહાળતો જ રહ્યો.
આખરે વલ્લરીએ તપેલીમાંથી એક વાટકો ભરીને ખીર કાઢી અને એક ચમચી પોતાના હાથ વડે વિસ્મયના મોઢામાં મૂકી.
"હમમમ !! ખુબ મીઠી ખીર છે."

સમાપ્તિ...

ટિપ્પણીઓ નથી: