શુક્રવાર, 8 જુલાઈ, 2016

"સુલતાન"


દર વર્ષે "ઈદ" હંમેશા સલમાન ખાનના નામે હોય છે. જનરલી ઢંગધડા વગરની સ્ટોરી અને સ્ક્રીપટ વાળી ફિલ્મોને પણ પોતાના ખંભે ઊંચકીને 150-200 કરોડનો બિઝનેસ કરી લેતી ફિલ્મો કરવા માટે સલમાન ખાન જાણીતા છે પરંતુ ગયા વર્ષે આવેલી "બજરંગી ભાઈજાન"એ લોકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મની સ્ટોરી અને તેની એક્ટિંગના કારણે સલમાન ખાન એક ઉમદા એક્ટર લાગવા લાગ્યા હોવાથી તેની પછીની ફિલ્મમાં લોકોની આશાઓ વધારે હોવાની જ. આખરે અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત ફિલ્મ "સુલતાન" રિલીઝ થઈ ગઈ છે અને સલમાનના ચાહકોને વધુ એક સારી ફિલ્મ રૂપે સલમાન તરફથી ઈદી મળી ગઈ.

ડાયરેક્શન :- "મેરે બ્રધર કી દુલ્હન" અને "ગુન્ડે" જેવી એવરેજ મુવી પછી અલી ઝફરે સુપરસ્ટાર સલમાન ખાનને લઈને બનાવેલી ફિલ્મ "સુલતાન" આખરે તેને સફળતાનો સ્વાદ જરૂરથી ચખાડશે. સ્ટોરી, સ્ક્રીપટ, સ્ક્રીનપ્લે, ડાયલોગ અને દિગ્દર્શન બધું જ પોતાના ખભા પર ચાલી રહેલા અલીભાઈની મહેનત દેખાઈ આવે છે. સલમાન પાસેથી આ લેવલનું કામ કઢાવવું એ કબીર ખાન સિવાય કોઈ કરી શકે એમ નહોતું લાગતું પરંતુ અલી ઝફરે આ ફિલ્મ બનાવીને એકવાત તો સાબિત કરી કે તે એક લાંબી રેસનો ઘોડો સાબિત થઈ શકે છે.

એક્ટિંગ :- બજરંગી ભાઈજાન પછી એક્ટિંગને એવી જ રીતે જાળવી રાખીને સલમાને લોકોના દિલ જીતી લીધા છે. 50 વર્ષની ઉંમરે પણ આ હદની એક્શન સિક્વન્સ કરવી અને આ હદની મહેનત કરવી એ ખૂબ જ કપરું કામ છે. જેમાં સલમાન ખાને પોતાની ફિટનેસને સાબિત કરી દીધી છે.

અનુષ્કા શર્માએ આ ફિલ્મમાં રેસલરનો રોલ કર્યો છે. આ ફિલ્મ બાદ અનુષ્કાએ એ સાબિતી તો આપી દીધી કે તે એક ખૂબ જ ઉમદા વર્સેટાઈલ એક્ટ્રેસ છે. બૉલીવુડમાં ત્રણેય ખાન સાથે કામ કરી લેવું એ અત્યારના સમયમાં ખૂબ જ મોટી વાત ગણી શકાય.

ફિલ્મની બીજી કાસ્ટિંગની બાબતમાં પણ આદિત્ય ચોપરાની ટીમે ખૂબ જ મહેનત કરી છે. "કાઈપો છે" ફેઈમ અમિત સાધ, અને સલમાનના દોસ્ત ગોવિંદનો રોલ કરી રહેલો "અનંત શર્મા" આ ફિલ્મમાં પોતાની હાજરી પુરાવી ગયા છે. સલમાનની ફિલ્મમાં પણ પોતાની એક્ટિંગ વડે પોતાના તરફ ધ્યાન ખેંચવા મજબુર કરે એવી એક્ટિંગના કારણે ફિલ્મ એકલી સલમાન બેઝડ બન્યા વિના જ એક સરસ મજાની દરમાં ફિલ્મ બની રહી. ગેસ્ટ રોલમાં આવેલા રણદીપ હુડાની એક્ટિંગ બાબતે તો કોઈ શંકાને સ્થાન જ નથી. અનુષ્કાના બાપનો રોલ કરી રહેલા કુમુદ મિશ્રા તો પહેલેથી એક્ટિંગ બાબતે ઉમદા કલાકાર રહેલા છે.

સ્ટોરી, સ્ક્રીપટ, સ્ક્રીનપ્લે, ડાયલોગ :- આ બધામાં ફક્ત એક જ વ્યક્તિનો હાથ છે અને તે છે ફિલ્મના રથના સારથી એવા અલી અબ્બાસ ઝફર. ફિલ્મની સામાન્ય રહેલી સ્ટોરીને પણ એક સારી એવી સ્ક્રીપટમાં ઘડી કાઢી અને સ્ક્રીનપ્લે પર ઉતારતી વખતે આદિત્ય ચોપરાની મળી રહેલી મદદના કારણે પ્રેક્ષક ફિલ્મથી જોડાયેલા રહે છે. ફિલ્મના ડાયલોગ મહદઅંશે સારા છે પણ એટલા ખાસ નથી.

મ્યુઝિક :- સલમાનની ફિલ્મમાં મ્યુઝિક હમેશા આકર્ષણનું કેન્દ્ર હોય છે. પરંતુ આ વખતે આ પાસું થોડું નબળું દેખાયું. વિશાલ-શેખરનું મ્યુઝિક એટલું ખાસ નથી રહ્યું. ઈર્શાદ કામિલના લખેલા ગીતો ખરેખર ખૂબ જ સારા છે. "જગ ઘુમેયા" અને "બેબી કો બેઝ પસંદ હે" આ બંને ગીતો તો ફિલ્મ રિલીઝ પહેલા જ હીટ થઈ ચુક્યા હતા.

સિનેમેટોગ્રાફી :- એકદમ દેશી ટિપિકલ હરિયાણાના ગામડાના દ્રશ્યો અને તેની પેરેલલ ચાલતા રિંગના ફાઇટના દ્રશ્યોને કેમેરામાં આબાદ રીતે ઝીલીને આપણી નજર સામે એક દ્રશ્ય ખડું કરી દેનાર પોલેન્ડના સિનેમેટોગ્રાફર "આર્તુર ઝુરાવ્સ્કી"નું કામ ઘણું સારું છે.

કોરિયોગ્રાફી :- ફિલ્મની શરૂઆતમાં વૈભવી મર્ચન્ટના હાથમાં કોરિયોગ્રાફરની જવાબદારી આવી હતી પરંતુ કોઈક રીઝનના હિસાબે આ ફિલ્મની કોરિયોગ્રાફીની જવાબદારી આખરે ફરાહ ખાનના હાથમાં આવી. સલમાનની ફિલ્મમાં જેમ સિગ્નેચર સ્ટેપ્સ હોય છે એ નિયમ આ ફિલ્મમાં પણ ચાલ્યો આવ્યો છે.
ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો સ્લો છે. ઈન્ટરવલ સુધી જાણે ફિલ્મ ખેંચાઈ રહી હોય એવું લાગે છે. ઈન્ટરવલ દરમિયાન વિચારવા બેસીયે કે આ અડધી ફિલ્મમાં શું યાદ રાખવા જેવું હતું અને શું ગમે એવું હતું તો કશું ખાસ યાદ રહે એવું નથી. ફિલ્મ સેકન્ડ હાફમાં થોડી ગ્રીપ પકડી લે છે. ફિલ્મ ફુલ્લી પ્રિડિક્ટેબલ છે પરંતુ ફિલ્મની સરળતા પ્રેક્ષકને સીટ પર જકડી રાખે છે. ઈદની રજાઓમાં એકદમ પારિવારિક મનોરંજક ફિલ્મ. આજના યંગસ્ટર્સ માટે ખાસ જોવાલાયક ફિલ્મ છે જે 2 કલાકમાં ઘણું બધું શીખવી જાય છે.

Ratings :- 3/5

બોનસ :-
1.) કિસ્મત અગર મુજે હરાને મેં લગ જાતિ હે તો આજ સુલતાન અલી ખાન આપણી કિસ્મત ખુદ લીખેગા.
2.) સપને દેખના અચ્છી બાત હે પર કઈ બાર ઉનકે પીછે દોડતે દોડતે અપને પીછે છૂટ જાતે હે.
3.) અસલી પહેલવાણ કી પહેચાન અખાડે મેં નહીં અસલી જિંદગી મેં હોવે હે, તાકી જિંદગી તુમ્હે પટકે તો તુમ ફિર સે ખડે હો ઓર એસા દાવ ખેલો કી જિંદગી ચિત્ત હોય જાએં.
4.) કોઈ તુમ્હે તબ તક નહીં હરા સકતા જબ તક તુમ ખુદ સે હાર નહીં જાતે.
5.) એ જો તુમ્હારી સોસાયટી હે ણા, ઇસ્મે આજ ભી લડકિયાં ઘૂંઘટ કે પીછે જન્મ લેવે હે, ઓર વહી મર જાવે હે.