મંગળવાર, 20 ડિસેમ્બર, 2016

અધૂરું સ્વપ્ન / ભાગ - ૧

સંધ્યાકાળ થઇ ચુક્યો હતો. પક્ષીઓ આખા દિવસના હરીફરીને પોતપોતાના માળા તરફ ઉડી રહ્યા હતા. રોજની જેમ આજે પણ લોકોની જિંદગીનો એક દિવસ આમ જ આથમી રહ્યો હતો. શહેરના રસ્તાઓની ભીડ પોતાની રોજીંદી ઘટનાઓ પતાવીને પોતાના ઘર તરફ જઈ રહી હતી. એકતરફ મંદિરોમાં આરતી થઇ રહી હતી તો બીજી તરફ મસ્જીદોમાં અઝાનનો સમય થઇ ચુક્યો હતો. રસ્તાઓ પર વાહનોની ભીડ અને ઘોંઘાટ શહેરી વાતાવરણનું પ્રતિબિંબ દેખાડી રહ્યું હતું. આખા શહેરની લાઈટ જાણે એવી રીતે સળગી રહી હતી કે ઉપરથી જોઈએ તો જાણે કે શહેરને નાની નાની લાઈટોની સીરીઝથી સજાવેલું હોય. દુકાનો પર ભીડ જામેલી હતી. પરંતુ તે કોઈ ગ્રાહકોની ભીડ નહોતી પરંતુ ટીવીમાં આવતા સમાચારોની ભીડ હતી. તે દિવસે શેરબજારમાં થયેલા કડાકાને સમાચારોમાં રહેવાના બદલે બધી ન્યુઝ ચેનલ પર ઉર્વીલ પંડ્યા છવાયેલો હતો.

લીલાવતી હોસ્પિટલમાં થોડીવાર પહેલા જ એક તીવ્ર સાયરન વાગતી એમ્બ્યુલન્સ દાખલ થઇ હતી. ફટાફટ હોસ્પિટલના વોર્ડબોય અને નર્સનો સ્ટાફ એમ્બ્યુલન્સમાં રહેલા પેશન્ટને અંદર લઇ જવા માટે ઉતાવળે ભાગી રહ્યો હતો. હોસ્પિટલમાં જાણે કે દોડધામ મચી ગઈ હતી. ડોક્ટર્સની ટીમ ફટાફટ જરૂરી સૂચનો આપી રહી હતી. સ્ટ્રેચર પર અર્ધબેહોશ હાલતમાં રહેલી એ લેડીને જોઇને જરૂરી મશીન અને દવાઓ તૈયાર કરવાના ઓર્ડર અપાઈ રહ્યા હતા. નર્સને જાણે એક રોબોટની જેમ કામ કરવાનું હોય એ રીતે તેઓ ડોક્ટરની સૂચનાઓ પ્રમાણે જરૂરી દવાઓ અને ઇન્જેક્શન તૈયાર કરી રહ્યા હતા.
એ લેડીને સ્ટ્રેચરની સાથે ઉતારતા જ તેની સાથે એક વ્યક્તિ ઉતર્યો હતો જે પોતે ઉર્વીલ પંડ્યા હતો. ડોક્ટર આવતાની સાથે જ તે ચીસો પાડી પાડીને ડોક્ટરને બોલી રહ્યો હતો.

“ડોક્ટર ! આને બચાવી લો પ્લીઝ, તમે જેટલા રૂપિયા કહેશો એટલા રૂપિયા હું ખર્ચવા તૈયાર છું પણ કોઈ પણ સંજોગોમાં આને બચાવી લો. હું એના વગર નહિ જીવી શકું ડોક્ટર પ્લીઝ.”
ડોક્ટર એની વાત સાંભળીને તેને સાંત્વના આપી રહ્યા હતા.
“શાંત રહો મિસ્ટર પંડ્યા ! અમે અમે અમારી રીતે પૂરી કોશિશ કરીશું કે એમને કશું પણ થાય નહિ. તમે સહેજપણ ચિંતા નાં કરો. તમે ધીરજ રાખો.”
“કોશિશ નહિ ડોક્ટર ! કોશીશ નહિ. વિશ્વાસથી જવાબ આપો કે એ ચોક્કસ બચી જ જશે.” ઉર્વીલ રડતા રડતા ચિલ્લાઈ ઉઠ્યો. અને આજુબાજુમાં રહેલા બીજા દર્દીઓનાં સગા સબંધીઓ બધાય આ દ્રશ્ય જોવા લાગ્યા.
“શાંતિ રાખો મિસ્ટર ઉર્વીલ, અમે ભગવાન નથી. અમે અમારી રીતે કોશિશ કરીશું. પૂરી રીતે, પૂરી શ્રદ્ધાથી, પણ તમે ધીરજ રાખો.” ડોક્ટર થોડા ઊંચા અવાજે બોલ્યા એ સાંભળીને ઉર્વીલ થોડો શાંત થયો અને અચાનક શાંત થઇ ગયો.

કદાચ હવે પોતાનામાં હોશ આવ્યું હતું. પરંતુ મન સતત આમ-તેમ વિચારોમાં દોડ્યા કરતુ હતું. તેની જિંદગીમાં વર્ષોથી જે તોફાન પહેલાની શાંતિ જળવાઈ રહી હતી તે તોફાન હવે એક ભયાનાક્ર વંટોળ બનીને તેના જીવનમાં પથરાઈ ચુક્યું હતું. પરિસ્થિતિનો તાગ મેળવવો હવે તેના માટે મુશ્કેલ થઇ રહ્યો હતો. પરંતુ જે થાય તે જોયું જશે ની નીતિ વાળો ઉર્વીલ આજે પોતે દિશાહીન લાગી રહ્યો હતો. હવે આ બધું કઈ રીતે પાર પાડશે તેના માટે કહી શકાય એમ નહોતું. પરંતુ જે થવાનું હતું તે થઇ ચુક્યું હતું અને હવે ઉર્વીલ એમાં કશું કરી શકે તેમ નહોતો.

થોડી જ વારમાં તે લેડીને ઓપરેશન થીયેટરમાં લઇ જવાની તૈયારી થવા લાગી હતી. ડોકટરોએ ઉર્વીલને બોલાવીને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી દીધી હતી. ડોકટરોના કહેવા મુજબ અત્યારે આ લેડી શ્વાસ લઇ શકવાની કંડીશનમાં નથી. તે પોતે શ્વાસ લઇ શકે તેમ નથી તેથી તેના ગળામાં રહેલી શ્વાસનળીમાં ટ્યુબ નાખવી પડશે. આથી ઓપરેશન કરવું જરૂરી છે પરંતુ આ કેસમાં પાકી સ્યોરીટી થઇ શકે તેમ નથી કે તે સંપૂર્ણ સાજી થઇ શકશે કે નહિ. ભવિષ્યની શું પરિસ્થિતિ થશે તેની બધી જ આગોતરી સંભાવનાઓ ડોકટરે ઉર્વીલને સમજાવી દીધી હતી અને ઉર્વીલ દિગ્મૂઢ બનીને જાણે ચુપચાપ સાંભળી રહ્યો હતો અને માત્ર હમમ હમમના હોંકારા દઈ રહ્યો હતો.

થોડી જ વારમાં નર્સ થોડાક ડોક્યુમેન્ટ લઈને આવી અને ડોક્ટરને આપ્યા અને ડોકટરે બધું ચેક કરીને ઉર્વીલને સાઈન કરવા માટે આપ્યા. ઉર્વીલ જાણે કશાક વિચારોમાં ખોવાયેલો હતો એટલે અચાનક જબ્ક્યો પરંતુ ફક્ત ડોક્ટરના કહેવા પ્રમાણે માત્ર સાઈન કરીને પાછો હતો એમ જ ચુપચાપ બેસી ગયો. ડોક્ટર અને નર્સની ટીમ ઓપરેશન થીયેટરમાં દાખલ થઇ ચુકી હતી અને ઉર્વીલ ત્યાં જ બહાર બેઠો હતો. એકદમ સુન્ન જાણે કે દુનિયા લુટાઈ ચુકી છે. પણ ખરેખર તો હતું પણ એવું જ. આ એ જ વ્યક્તિ હતી જેના કારણે ઉર્વીલ આજે આ પોઝીશન પર હતો. જેના કારણે ઉર્વીલ જીવી રહ્યો હતો.

થોડી જ વારમાં હોસ્પિટલની બહાર મીડિયાવાળાનું ટોળું આવીને જમા થઇ ચુક્યું હતું. શહેરની દરેક ન્યુઝ ચેનલના રિપોર્ટર આજે આ ગરમાગરમ ઘાણવા જેવી ઘટનાને પોતાની ન્યુઝ ચેનલમાં દેખાડીને ટી.આર.પી. મેળવી લેવાની વેતરણમાં હતા. કોઈ મીડિયાવાળા તો એમ જ પોતાની જાતે જ ન્યુઝ બનાવીને ઈન્ટરવ્યું કરવા લાગ્યા હતા. જ્યારે અમુક મીડિયાવાળા હોસ્પિટલના વોર્ડબોય અને નર્સને પૂછી રહ્યા હતા. આજુબાજુમાં રહેલા લોકોની પાસેથી બની શકે એટલી માહિતી મેળવવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ હજુ સુધી કોઈને કશી જ માહિતી મળી નહોતી કે ઉર્વીલ પંડ્યા જે લેડીને લઈને આવ્યો છે એ કોણ છે ? અને એક્ચ્યુઅલ પરિસ્થિતિ શું થઇ છે ?

હેલો હું છું સ્વાતી ! મારી સાથે છે કેમેરામેન રાકેશ ઝા. ભારતી ટીવી લાવી રહ્યું છે તમારા માટે શહેરની ખબરો લઈને.

અત્યારે તમે જોઈ રહ્યા છો કે લીલાવતી હોસ્પિટલમાં કેટલી બધી ભીડ જામેલી છે અને દોડધામ થઇ રહી છે. અત્યારે દેશના મશહુર લેખક અને બોલીવુડના ડાયરેક્ટર એવા ઉર્વીલ પંડ્યા કે જેમની લખેલી ૭ નવલકથાઓ બેસ્ટ સેલર થઇ ચુકી છે અને એમાંથી ૩ બોલીવુડની ફિલ્મો પણ બની ચુકી છે જે ફિલ્મોએ પણ કરોડો રૂપિયાનો બીઝનેસ કરીને તેમને નામ અને ખ્યાતી મેળવી આપ્યા છે. જેઓ અત્યારની યંગ જનરેશનના યુથ આઇકોન બની ચુક્યા છે. પોતાના ખુલ્લા વિચારોનાં કારણે ઘણીવાર વિવાદિત સ્ટેટમેન્ટ પણ આપી ચુક્યા છે અને ખબરોમાં રહી ચુક્યા છે. એ બાદ હમણા આવેલી ફિલ્મ “દિલ કા ખ્વાબ”થી જેમણે ડાયરેકટર તરીકે ફિલ્મ ક્ષેત્રે શરૂઆત કરી. એ ફિલ્મ જેને યંગ જનરેશનને પોતાના ફેન બનાવવા માટે મજબુર કરી દીધા હતા. તે ઉર્વીલ પંડ્યા જેઓની ફિલ્મ અને બુકમાં સ્ત્રી પાત્રોને હમેશા એકદમ મજબુર રીતે ઉપસાવે છે અને આટલી લાઈમલાઈટમાં રહેવા છતાય ક્યારેય કોઈ બીજી સ્ત્રી સાથે જેઓનું નામ ક્યારેય પણ જોડાયું નથી. તેઓ પોતાની પત્નીને લઈને આવ્યા છે કે પછી કોઈ બીજી સ્ત્રી છે તે હજુ સુધી નક્કી થઇ શક્યું નથી. પરંતુ ખબર મળી રહી છે કે ઉર્વીલ પંડ્યા તે સ્ત્રીને પોતાની જિંદગીનો પાયો માની રહ્યા છે. તેની માટે ગમે તે કરવા તૈયાર છે. આજ સુધીના એકેય ઈન્ટરવ્યુંમાં તેઓએ ક્યારેય પોતાની પત્ની વિષે પણ વધારે કહ્યું નથી અને આ સ્ત્રી તેના માટે આટલી મહત્વની છે. જ્યારે તેઓ હોસ્પિટલ પહોચ્યા ત્યારે તેઓ એકદમ રડમસ લાગી રહ્યા હતા જેના પરથી પરિસ્થિતિની ગંભીરતા સમજી શકાય છે કે ઉર્વીલ પંડ્યા પોતે અંદરથી ભાંગી ચુક્યા છે.

વધુ માહિતી માટે જોતા રહો ભારતી ટીવી... ટુક સમયમાં અમે રજુ કરીશું સાચું કારણ કે કોણ છે એ સ્ત્રી જે ઉર્વીલ પંડ્યાની જિંદગીમાં આટલું મહત્વ ધરાવે છે.

મીડિયાવાળા ન્યુઝ કવર કરવા માટે હવે હોસ્પિટલમાં પ્રવેશવા માટે ત્યાના સિક્યોરીટી સાથે ઝઘડો કરવા સુધી પહોચી ગયા હતા આથી હોસ્પિટલના સંચાલકોએ પોલીસ બોલાવવી પડી હતી. થોડી જ વારમાં પોલીસ આવી ચુકી હતી અને બધા મીડિયાવાળાને શાંતિથી બેસાડીને સમજાવ્યા હતા કે થોડીવારમાં જ તેઓને દરેક માહિતી મળી જશે અત્યારે તેઓ ઉતાવળ કરીને અને ઘોંઘાટ કરીને બીજા દર્દીઓ માટે અડચણરૂપ બનવાની કોશિશ નાં કરે. પોલીસ ઓફિસર તરત જ ઉર્વીલ પંડ્યાને મળવા માટે અંદર પહોચી ગયા જ્યાં તેઓ શાંતિથી ગુમસુમ બેઠા હતા.

“હેલો મિસ્ટર ઉર્વીલ ! શું તમે થોડીવાર માટે બહાર આવી શકશો ?”
ઉર્વીલ કશોય જવાબ આપ્યા વિના બસ ચુપચાપ ગુમસુમ બેઠો રહ્યો. એટલે પોલીસવાળાએ થોડું વધારે ચોખવટ કરીને કહ્યું.
“મિસ્ટર ઉર્વીલ બહાર મીડિયાવાળા લોકો અધીરા થઇ રહ્યા છે તમારા વિષેના સમાચાર કવર કરવા માટે અને તેના કારણે હોસ્પિટલના બીજા દર્દીઓ અને હોસ્પિટલના સંચાલકોને તકલીફ પડી રહી છે તો તમે પ્લીઝ થોડીવાર માટે આવીને નાનો ઈન્ટરવ્યું આપી શકશો ?”
ઉર્વીલ “હમમ” બોલીને હળવેથી ઉભો થઈને ચાલવા લાગ્યો.

પોલીસ ઓફિસરની સાથે ઉર્વીલ બહાર આવ્યો અને આવતાની સાથે જ કેમેરાની ફ્લેશનાં કારણે વાતાવરણ જાણે ફિલ્મના પ્રિમિયર જેવું બની ગયું.
“મિસ્ટર પંડ્યા ! શું તમે જણાવી શકશો કે તમે અહિયાં કોને લઈને આવ્યા છો ?”, ફટાફટ મીડિયાવાળાના ટીપીકલ પ્રશ્નો શરુ થઇ ચુક્યા હતા.
“મારી દોસ્ત છે.”, ઉર્વીલ બને એટલો ટુંકાણમાં જવાબ આપતા બોલ્યો.
“શું એ દોસ્તનું નામ અમે જાણી શકીએ ?”
“હું તમને એનું નામ કહેવું જરૂરી નથી સમજતો. આગળનો પ્રશ્ન ?”
“તમારી પત્ની તમારી સાથે કેમ નથી ? શું આ તમારી દોસ્તના કારણે જ.....”
આટલું સાંભળતા જ ઉર્વીલનો ગુસ્સો આસમાને પહોચી ગયો અને સીધો જ ઉભો થઈને તે પ્રશ્ન પૂછનાર તરફ હાથ ઉગામ્યો પરંતુ પોલીસ જોડે હોવાથી ઉર્વીલને રોકી લીધો અને અંદર હોસ્પિટલમાં લઈને જતા રહ્યા.

“આપ દેખ રહે હે કી ઉર્વીલ પંડ્યા કેસે એક સવાલ પર ગુસ્સા હો ગયે ? વો કોઈ ભી બાત બહાર લાના નહિ ચાહતે. ઉસને ઉસ લડકી કા નામ બતાને સે ભી ઇનકાર કર દિયા હે. લેકિન હમ આપકો કુછ હી દેર મેં બતાયેંગે કે સારા માંજરા ક્યા હે ? કેમેરામેન ગીરીશ કે સાથ હે રિપોર્ટર સુદેશ. સન ટીવી.”

વધુ આવતા અંકે...

ટિપ્પણીઓ નથી: