શનિવાર, 6 ઑગસ્ટ, 2016

લાલો = દોસ્તી


મારો લંગુરિયોં,
લાલો. (રવિરાજ)
મારો ભાઈબંધ, મારો ભાઈ, મારો જીગરીયો, મારો લાલયો

2008માં 11માં ધોરણમાં છેલ્લી બેન્ચ પર બેઠેલો એ ઘૂઘો કલાસમાં પહેલા નંબરે આવ્યો અને હું બીજા નંબરે આવ્યો એટલે મેં મારી જગ્યા બીજી બેન્ચથી છેલ્લી બેન્ચ પર લઇ લીધી. (હા એ વાત અલગ છે કે એનાથી મને એક નુકશાની આવી કે આગળ બેઠેલી છોકરીનો ચોટલો ઊંચો કરીને ફેરવવાની મજાનો ત્યાગ કરવો પડ્યો.)

એ પછી ધીમે ધીમે ટ્યુશન કલાસીસ પણ એક થવા લાગ્યા. કલાસમાં મસ્તી
-મજાક પણ જોડે જ કરવાના અને ભણવાનું પણ જોડે જ. ધીમે-ધીમે એકબીજાને સમજવા લાગ્યા, એકબીજાની નજીક આવવા લાગ્યા. એકબીજાના ઘરના કોન્ટેક્ટ વધવા લાગ્યા. બારમા ધોરણનું એ વર્ષ આપણી કેરિયર અને આપણી દોસ્તી માટે બુસ્ટર સમાન સાબિત થયું. ખુબ જ સારા માર્ક્સથી પાસ થવાનું નક્કી કર્યું અને લાગી ગયા બંને મહેનતમાં. સતત કંઈકને કંઈક શીખવાનું, રોજ એકબીજાને ઢગલો સવાલ પૂછ્યા કરવાના અને જવાબ ના આવડે તો એકબીજાને કહેવાના, એકબીજાની એક્ઝામ લેવાની, અને સાથે રહીને જ વાંચવાનું અને મહેનત કરવાની. 12મું ધોરણ પૂરું થતા જાણે આપણે નિરાંતનો શ્વાસ લીધો અને ત્યાં સુધીમાં આપણી દોસ્તી એવી તો બંધાઈ ગઈ કે આજ સુધી એને આંચ પણ નથી આવી.

તેરે જેસા યાર કહા, કહા એસા યારાના,
યાદ કરેગી દુનિયા, તેરા મેરા અફસાના

સતત એકબીજાની પડખે ઉભા રહીને એકબીજાની તકલીફો સોલ્વ કરવા માટે બને એટલું કરી છૂટયા છીએ. જાણે એકબીજાની આદત બની ગયા છીએ. કશું પણ નવું બને કે કોઈ નવી ઘટના આકાર લે એટલે તરત જ સૌથી પહેલા તું યાદ આવે કે લાલાને આ વાત કહેવાની છે. જાણે મારો એક બેકઅપ દોસ્ત હોય એ રીતે મારા દરેક સિક્રેટ
, દરેક વાતો, દરેક ખૂબીઓ, નબળાઈઓ બધું જ તું જાણે છે અને તે પણ મારો એ વિશ્વાસ ટકાવી રાખ્યો છે કે આજ સુધી કોઈ વાત તારી પાસેથી લીક નથી થઇ.


દરેક એક્ઝામના સમયે આપણે જ્યારે 1.5-2 મહિના સાથે રહીને જે સમય પસાર કર્યો છે એ સમય ફરી ક્યારેય હવે કદાચ નહિ આવે, મને ખબર છે તું પણ એ સમયને ખુબ જ મિસ કરીશ. આપણે બંને જ્યારે 60 વર્ષના બુઢ્ઢા થઇ જશું ત્યારે આ બધી વાતો આપણા છોકરાઓના છોકરાને કરીશું. દોસ્તીની  મિસાલ આપીશું.

બને ચાહે દુશ્મન ઝમાના હમારા,
સલામત રહે દોસ્તાના હમારા.

મેં કશુંક આડું અવળું કામ કર્યું હોય અને પાપા જ્યારે ખિજાવાના હોય ત્યારે હમેશા તને આડો રાખીને બચ્યો છું. મારી કેરિયરમાં સતત સાથ આપ્યો છે. વાંચવામાં પણ જો તું સાથે ના હોત તો આજે હું અહીંયા સુધી ના હોત. એની માટે થેન્ક્સ નહિ કહું ભાઈ. મારે તારી ગાળો ખાવાની ફિલહાલ કોઈ જ ઈચ્છા નથી.

કોઈ સિરિયસ મેટર હોય કે પછી કોઈ મસ્તીનો મૂડ
, કોઈ આડા અવળા કાંડ હોય કે પછી કોઈ વહીવટ એમાં તું હંમેશા સાથેને સાથે જ રહ્યો છે ભાઈ. (હા ! ભાઈ ચિંતા નો કરતો, છોકરીઓના લફરાવાળું આમ જાહેરમાં હું નહિ લખું હો ને. !) ક્યારેય કોઈ પણ કામમાં તે ગીવઅપ નથી કર્યું. એ કામ કદાચ ખોટું પણ હોય તો પણ તે સાથ આપ્યો છે. પેલું કહેવાય છે ને કે

'
મારે એવો મિત્ર નથી જોઈતો જે "કૃષ્ણ" જેવો હોય કે જે ધર્મની પડખે ઉભો રહે, મારે તો એવો મિત્ર જોઈએ છે જે ખબર હોય કે આ ખોટું કામ છે તો પણ સતત બાજુમાં ને બાજુમાં "કર્ણ" ની જેમ ઉભો રહે.'

પણ હા કોઈ ખોટા કામ માટે તે હંમેશા મને ટોક્યો જરૂર છે અને તારી ગાળો પણ ખાધી છે. શું કરીયે મોટોભાઈ રહ્યો એટલે કઈ કેવાય પણ નહિ. હુહ.

બે ગાળ હું દઈ દઉં તો હાલશે ?
નિર્દોષ કવેશ્ચન.


તું લોકો માટે બહારથી ખુબ જ પ્રોફેશનલ અને પ્રેક્ટિકલ માણસ છે પરંતુ તને મારી સાથે ક્યારેય પ્રેક્ટિકલ થતા નથી જોયો. કારણ કે મારી સાથે તું હંમેશા જેવો અંદરથી છે એવો બનીને રહ્યો છે. કોઈ પણ પરિસ્થિતિ આવે પણ તું કોઈ સામે ક્યારેય નબળો નથી પડ્યો પરંતુ જ્યારે હું તારાથી દૂર દુબઇ જતો હતો ત્યારે વહેલી સવારે મને સી ઑફ કરતી વખતે તારા હૃદયનું દર્દ ખુબ મહેસુસ કર્યું છે.

યે દોસ્તી, હમ નહિ તોડેંગે,
તોડેંગે દમ અગર, તેરા સાથ નાં છોડેંગે.

જ્યારે જ્યારે ફોન પર વાતો કરી છે ત્યારે તારા એ અવાજમાં સતત એક ખાલીપો લાગ્યો છે કે હું કેમ તારાથી દૂર થઇ ગયો છું. મારે તારી જરૂર છે. એ એહસાસ મેં કરેલો છે ભાઈ. આજસુધી એક વાત તને નથી કીધી મેં પણ આજે કહું છું. "હું અહીંયા
2-3 વાર તને યાદ કરીને રડેલો છું. જ્યારે જ્યારે દુબઇમાં એકલતા મહેસુસ કરી છે ત્યારે બસ તારું જ નામ આવતું અને "અલ્લાહ વારિયા" ગીત સાંભળીને મારી આંખ ભીની થતા રોકી નથી શક્યો."

સાથે હોઈએ ત્યારે વાતો પુરી કર્યા પછી "હાલ ભાઈ ! મળીયે પછી નિરાંતે" બોલ્યા પછી પણ
1-1 કલાક વાતોમાં ખેંચાઈ જાય છે. પોતાના સપનાઓ, પોતાની દુનિયા, પોતાનું ભવિષ્ય, પોતાની કેરિયર આ બધું જ આપણે ખુબ જ ડિસ્કસ કર્યું છે. ખુબ બધા પ્લાન બનાવ્યા છે અને ઘણાખરા સફળ પણ થયા છે.

સાથે બેસીને એક થાળીમાંથી જમ્યા છીએ અને એકબીજાનું એંઠું પણ ખાધેલું છે અને હજુ પણ એ આદત ગઈ નથી. અને આ આદત પાડવામાં મમ્મીનો હાથ છે. આપણે બંનેને જમવાનું હોય ત્યારે એણે ક્યારેય પણ
2 થાળી આપી જ નથી. બંને વચ્ચે કાયમ એક થાળી જ હોય. અને ક્યારેક બે થાળી આપી હોય તો તું સાલા હંમેશા મારી થાળીમાં કરેલું શાક રોટલીનું કરેલું ચોળેલું ખાવા આવી જ જાય છે.

યારી હે ઈમાન મેરા, યાર મેરી ઝીંદગી

પ્યાર હો બંદો સે એ સબસે બડી હે બંદગી..

આપણે ઢગલો વખત લડયા છીએ
, દલીલો કરી છે, ગાળો દીધી છે પણ તેમ છતાંય આપણી દોસ્તી પર ક્યારેય તકલીફ નથી થઇ. હા એક બે બાબતમાં પર્સનલ ઈગો સુધી વાતો આવી ગયેલી છે પરંતુ તો પણ આપણે આપણી દોસ્તીને સાંભળી રાખી છે. કારણ કે મારો કે તારો ઈગો આપણા સબંધથી મોટો નથી. આપણી દોસ્તીની કિંમત આપણે બંને સારી રીતે જાણીયે છીએ વ્હાલા. એવી એવી સિચ્યુએશન આપણે જોઈ લીધી છે કે હવે કદાચ કોઈ નાના મોટા ઝઘડા તો ધ્યાનમાં પણ નથી લેતા. "ઠીક છે યાર ! જવા દે ને, જે થયું એ" આ શબ્દો બોલીને પૂરું કરીયે છીએ અને આપણી આ દોસ્તીને સાચવી લઈએ છીએ.

ઘણાય એવું કહેતા હોય કે મારે મારા જુના દોસ્તોને મળવું છે. અમે અમારી લાઈફમાં બીઝી થઇ ગયા છીએ તો દોસ્તો માટે ટાઈમ નથી. પરંતુ મારે તો તું હમેશા સાથે ને સાથે જ છે. ક્યારેય અલગ પડીશ એવું તો સપનું પણ નથી આવતું અને ભગવાનને દુવા પણ કરું જ છું કે આખી દુનિયાને તું તારી સાઈડ કરી લે
, ફક્ત લાલો મારી સાઈડ હશે તોય હું ધારું એ બધું કરી લઈશ.

ઈમલી કાં બુટ્ટા, બેરી કાં પેડ,
ઈમલી ખટ્ટી, મીઠે બેર,
ઇસ જંગલ મેં હમ દો શેર,
ચલ ઘર જલ્દી હો ગઈ દેર.

ભાઈ ! ગમે તેટલું તારા વિષે લખીશને તો પણ પૂરું થશે જ નહિ. કારણ કે આપણે એકબીજા સાથે જીવ્યા છીએ જ એટલું કે કોઈ દિવસ વાતો પુરી જ નથી થતી.
8 વર્ષ ઓછો સમય નથી ભાઈ. 8 વર્ષમાં તો દુનિયા આમથી તેમ બદલાઈ જાય પણ તું મારી માટે ક્યારેય બદલાયો નથી. હજુ પણ એવો જ છે જેવો તું મને 11માં ધોરણમાં પહેલી વાર મળ્યો હતો.

તારો ભાઈબંધ,
કાનો. (રવિ)

ટિપ્પણીઓ નથી: