મંગળવાર, 26 જાન્યુઆરી, 2016

“એરલીફ્ટ”


ઈતિહાસના સૌથી મોટા રેસ્ક્યુ ઓપેરેશનને પરદા પર ઉતારવું એ નાનીસુની વાત નથી જ.  ખુબ બધી એફર્ટ્સથી કામ કરીને એક મજબુત ફિલ્મ બનાવનાર "રાજા કૃષ્ણ મેનન"ના ખાતામાં એક હીટ ફિલ્મ આખરે બેસી ગઈ. સત્યઘટનાઓ પર ફિલ્મ બનાવવી એ ખરેખર મહેનત માંગી લેતું કામ છે કે જેમાં ઘટનાનો સંપૂર્ણ અભ્યાસ કરવો પડે છે અને તેને આબેહુબ રીતે પરદા પર બતાવવો પડે છે. જીણી જીણી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને "નેવાના પાણી મોભે ચડાવવા" જેવું કામ કરીને રાજા કૃષ્ણ મેનન કાબિલે તારીફ છે.

અક્ષય કુમાર ફિલ્મ માટે એકદમ કન્વીન્સીંગ કેરેક્ટર છે. "અંદાઝ", "નમસ્તે લંડન","હોલીડે","બેબી" જેવી અસરકારક અને એક્ટિંગની સ્કુલ સમાન ફિલ્મો બાદ આવેલી આ ફિલ્મ અક્ષયની કારકિર્દીની બેસ્ટ ફિલ્મ છે. ફિલ્મના એકપણ સીનમાં તેની એક્ટિંગ ઓવર નથી લાગતી કે કમ પણ નથી લાગતી. તો તેનો સાથ આપવા ગૃહિણીનો રોલ ભજવનાર પંજાબ દી કુડી નીમ્રત કોર પોતાની એક્ટિંગથી નજરમાં ચડી જાય છે. તેના રોલમાં તે એકદમ ફીટ બેસી જાય છે. જો કે બોલીવુડમાં અક્ષય કુમાર માત્ર એક જ એવો એક્ટર છે કે જેની સાથે કોઈ પણ એક્ટ્રેસની જોડી પરફેક્ટ જ લાગવા લાગે છે.

સપોર્ટીંગ કાસ્ટમાં ઇનામુલહક કે જે ઈરાકી મેજરનો રોલ કરી રહ્યા છે એ બિહામણા કરતા વધારે કોમેડિયન હોય એવું લાગે છે. જે રોલ મગજમાં ફીટ નથી બેસતો. પ્રકાશ બેલાવડીનું ઇરીટેટીંગ પાત્ર ફિલ્મની સિરિયસનેસ અને થ્રિલને મારી નાખે છે. પૂરબ કોહલીની ઈમોશનથી ભરપુર એક્ટિંગ એની નોંધ લેવા મજબુર કરે છે અને એકદમ નાનો રોલ પણ બખૂબી નિભાવી જાય છે એવા કુમુદ મિશ્રા ફિલ્મનું મોસ્ટ કન્વીન્સીંગ પાત્ર છે.

ફિલ્મનું સંગીત એકદમ સોલ્ફુલ છે એનું કારણ અમાલ મલિક અને અંકિત તિવારી છે પરંતુ ફિલ્મમાં ગીતોની જરૂરીયાત લાગતી નથી અને છતાય વચ્ચે આવી જાય છે અને ફિલ્મની અસરકારકતાને નુકશાન પહોચાડે છે. "દિલ ચીઝ તુજે દે દી" ગીત એ ૧૯૯૨માં આવેલું અલ્જેરિયન આર્ટીસ્ટ ખાલેદનું ગીત "દીદી" પરથી લેવામાં આવ્યું છે પરંતુ ગીત ગણગણવું ગમે છે. અરિજિત સિંહ તો જાણે હવે દેશની અવાજ લાગવા લાગ્યો છે. કોઈ ફિલ્મ એવી નથી આવતી કે જેમાં એક ગીત અરિજિતનું નાં હોય. બેકગ્રાઉન્ડ સ્કોર ખુબ સારું છે.

૧૯૯૦ના દસકાના કુવૈત સીટીને, રસ-અલ-ખૈમાહ (યુનાઈટેડ આરબ અમીરાત) નામના શહેરમાં ઉભું કરીને ખુબ જ જહેમતનું કામ ઉઠાવ્યું છે અને તેમાં દર્શાવતો કલરનો શેડ એકદમ આર્ટિસ્ટીક લાગે છે જેના કારણે ફિલ્મ આંખોને ગમી જાય છે. શરૂઆતથી જ આવતા ફિલ્મના એરિયલ શોટ એ ફિલ્મને ભવ્ય બનાવે છે. "આખો દેખા હાલ" ટાઈપની સિનેમેટોગ્રાફી ફિલ્મને વાસ્તવિકતા આપવામાં સફળ રહી છે.

આવું કોઈ પણ ઓપરેશન કોઈ એક વ્યક્તિની મહેનતથી નથી થતું હોતું પરંતુ આપણા બોલીવુડની "હિરોનીઝમ" પ્રથા મુજબ એ ફિલ્મ આખી જાણે અક્ષયના ખભા પર જ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ફિલ્મનું થ્રિલ એટલું નથી જળવાયું જેટલું હોવું જોઈએ એનું કારણ વચ્ચે આવેલા ગીત, અને અમુક પાત્રો છે. ફિલ્મ સીટ પર જકડી રાખે છે પરંતુ એવા કોઈ ચડાવ ઉતાર નથી આવતા કે જેનાથી ફિલ્મ એકદમ થ્રિલ આપે.

છેલ્લી ૧૦ મિનીટમાં તો જાણે દેશભક્તિનો વરસાદ થયો હોય એવું લાગવા લાગે છે. રૂવાંડા બેઠા થઇ જાય એવું મ્યુઝીક અને લહેરાતો ત્રિરંગો દેશભક્તિની છોળો ઉડાડી જાય છે જેના કારણે ફિલ્મને ચાર ચાંદ લાગી જાય છે.

Ratings :- 3.5/5

બોનસ :-
૧.) આદમી કી ફિતરત હી એસી હોતી હે, જબ ચોટ લગતી હે તો માં-માં હી ચિલ્લાતા હે.
૨.) અગર સાથ હે તો કુછ હે, વરના નથીંગ.

સોમવાર, 4 જાન્યુઆરી, 2016

"બાજીરાવ-મસ્તાની"


"રામ-લીલા"ની ભવ્ય સફળતા બાદ એ જ જોડીને લઈને બનાવેલી આ ફિલ્મ "બાજીરાવ-મસ્તાની" પણ સંજય લીલા ભણસાલીને સફળતાનો મધુરો સ્વાદ ચખાડતી ચાલી રહી છે અને હજુ પરદા પરથી નીચે ઉતરવાનું નામ લેતી નથી.

૧૫ વર્ષ પહેલા વિચારેલો આ પ્રોજેક્ટ સંજય લીલા ભણસાલી "હમ દિલ દે ચુકે સનમ" બાદ સલમાન અને એશ્વર્યાને લઈને બનાવવા માંગતા હતા પરંતુ બંનેના થયેલા બ્રેક-અપને કારણે ફિલ્મ પડતી મુકાઈ ગઈ અને ફિલ્મની કાસ્ટિંગના કારણે ફિલ્મ અભેરાઈ પર ચડી ગઈ અને સંજયભાઈ તેમના અન્ય પ્રોજેક્ટ "દેવદાસ", "બ્લેક", "સાવરિયા", "ગુઝારીશ", "રામ-લીલા" પર કામ પર લાગેલા રહ્યા અને તેમની છેલ્લી ફિલ્મ "રામ-લીલા"ની હીટ જોડી મળી જતા તુરંત જ એ અભેરાઈ પર ચડેલા પ્રોજેક્ટને ધૂળ ખંખેરીને તેના પર રંગરોગાન કરીને ફરી પાછો દર્શકો સામે મૂકી દીધો અને દર્શકોએ તેમના આ ભવ્ય પ્રોજેક્ટને એક ઉત્સવ તરીકે વધાવી લીધો. અંદાજે સવા સો કરોડના ખર્ચે બનેલી આ વિશાલ ફિલ્મને દર્શકોએ દિલ ખોલીને સરાહી છે.

ઇશ્ક, જુનુન, દર્દ, પીડા, સબંધની છેલ્લી મર્યાદા સુધી પહોચીને એણે પોતાએ કરેલો એ દર્દનો એહસાસ દર્શકો સુધી પહોચાડી શકે એ દિગ્દર્શક એટલે સંજય લીલા ભણસાલી. એક એવો ડાયરેક્ટર કે જે ફિલ્મના કોઈ પણ સબ્જેક્ટના મૂળ સુધી પહોચીને સમજીને, દરેક પ્રકારનું સંશોધન કરીને ફિલ્મને એક લેવલ સુધી પહોચાડી દે કે જ્યાં જેવા-તેવા દિગ્દર્શક માટે તો ફક્ત સપનું જ કહેવાય.

ઈશ્ક-એ-જુનુન, દર્દ-એ-જુનુન, રંગોત્સવ, સંગીતોત્સવ, નૃત્યોત્સવ, અને આ ફિલ્મમાં તો યુદ્ધોત્સવ પણ, વિશાળ સેટ્સ, ભવ્ય મહેલો, મનમોહક વસ્ત્રપરિધાન એ સંજયની ફિલ્મની ખાસિયત રહેલી છે. તેની રંગો પારખવાની શક્તિ અને તેને બીજા રંગ સાથે ભેળવીને પરદા પર ઉતારવાની કળાનો કોઈ જોટો જડે તેમ નથી.

ધર્મ અને પ્રેમ એ બંને આપણા દેશમાં પહેલેથી જ વિખવાદ જગાવનારા મુદ્દાઓ રહ્યા છે. પ્રેમ કોઈ ધર્મ જોઇને નથી થતો એ વિષય પર અઢળક ફિલ્મો આપણે જોઈ ચુક્યા છીએ પરંતુ એ વિખવાદ પાછળના કારણો અને પીડાઓ શું હોય છે એ જોવું હોય તો આ ફિલ્મ એક માઈલસ્ટોન છે. માણસની નફ્ફટાઈ તો જુઓ કે જે લાલ-લીલા રંગને પણ વહેંચવા માંડ્યા છે. હજુ કેટલો નીચે પડશે માણસ કે જે જ્ઞાતિ, ધર્મના ભેદભાવમાંથી હવે રંગ સુધી અને જાનવર સુધી પણ પહોચી ગયો છે. એ માણસ ! તું હજુ કેટલો નીચે પડીશ કે જે અબોલ પશુઓને પણ વહેચવા પર ઉતરી આવ્યો છે કે ગાય એટલે હિંદુઓની અને બકરી એટલે મુસ્લિમની.. પ્રેમ અને પીડા બંનેની રાશી એક હોવાથી જ કદાચ બંને સાથે રહેતા હશે, અને એ જુદાઈને વાસ્તવિકરૂપે પરદા પર ઉતારવામાં સંજય ભણસાલી માહેર છે.

રણવીર સિંહ - આ ભાઈની પહેલી ફિલ્મ "બેન્ડ બાજા બારાત" જોઈ ત્યારથી જ લાગ્યું હતું કે બોસ બંદે મેં દમ હે. ડાન્સ હોય કે યુદ્ધ, પણ આ એક્ટરની બોડી મુવમેન્ટ હમેશા એનર્જેટિક હોય છે જે તેની સાથે રહેલા કો-એક્ટરને હંમેશા ભારે પડતી હોય છે. (ઉદાહરણ - "ગુંડે" ફિલ્મનું ગીત "તુને મારી એન્ટ્રીયા"નો ડાન્સ વિડીઓમાં રણવીર અને અર્જુનની કમ્પેરીઝન કરવાની છુટ્ટી") ઇન્ટેન્સ સીનમાં તો ઘૂંટડા ભરી ભરીને પરદા પર ઠાલવે છે. ખરેખર આ ફિલ્મમાં રણવીરને જોવો એ એક લ્હાવો છે. "ખાન બ્રધર્સ, કપૂર બ્રધર, કુમાર સબ લોગ ઇસ "સિંહ" સે બચ કે રહેના રે બાબા"

દીપિકાને તો જાણે કે આવા ચેલેન્જીંગ રોલ કરવાની આદત પડી ગઈ છે. દિવસે ને દહાડે એની એક્ટિંગનો નિખાર વધતો જ જાય છે અને દર્શકોને કાયલ બનાવી જાય છે. ફિલ્મનો કોઈ પણ સીન હોય એ જાણે એની ટચલી આંગળીનો ખેલ હોય એ રીતે ભજવી જાય છે. સફળતાને સારી રીતે પચાવીને ઠરીઠામ થઈને બેસી ગયેલી આ હિરોઈનનો અત્યારે દસકો ચાલી રહ્યો છે.

પ્રિયંકા ચોપરા ઉર્ફ પીસી વિષે તો બોલીએ એટલું ઓછું છે. કા.કે. હોલીવુડમાં કામ કરીને આવ્યા પછી પણ જ્યારે પીસી અહિયાંની આવી રજવાડી ફિલ્મોમાં પણ પોતાની અમીછાપ છોડી શકે છે એ સાબિત કરી દીધું. કાશીબાઈના રોલને જીવંત રીતે ઉજાગર કરી દીધો છે. એક સીટી તો બનતી હે બોસ !

અન્ય સપોર્ટીંગ એક્ટર્સ જેવા કે તન્વી આઝમી, આદિત્ય પંચોલી, મહેશ માંજરેકર, મિલિન્દ સોમન, વૈભવ તત્વાવડી, અને રઝા મુરાદ જેવા કલાકારો પણ પોતાના ભાગે આવેલું કામ બખૂબી નિભાવીને જતા રહ્યા.

ફિલ્મની જાન હોય એવું એનું મ્યુઝીક ખુદ ગબ્બર એટલે કે સંજય ભણસાલી એ જ આપેલું છે અને તેના મોટા ભાગના ગીતો પર શ્રેયા ઘોષાલનો કોયલકંઠી અવાજ રોલર કોસ્ટરની જેમ ફરી વળ્યો અને અંગના રોમેરોમ જગાવી ગયો અને મેજિકલ વોઈસ અરિજિતના મુખે ગવાયેલું "આયત" દિલ કી ઘંટી વગાડી જાય છે. ફિલ્મ હીટ થવાનું મુખ્ય પાસું હોય એમાંથી એક એટલે કે ડાયલોગ અને સ્ક્રીનપ્લે. તે બંનેને ખુબ જ માવજતપૂર્વક મઠારીને આબેહુબ દ્રશ્ય ઉભું કરનાર પ્રકાશ કાપડિયાને સલામ. એક એક ડાયલોગ્સ મગજ પર કાબુ કરી લે છે અને જેના કારણે જ ફિલ્મ "વાહ ! વાહ ! અદ્ભુત ! અદભુત ! " બની જાય છે.

ફિલ્મ જોયા પછી પણ મગજ પર છાપ છોડી જાય છે એ છે રંગ મિશ્રણ. જેનો શ્રેય જાય છે ફિલ્મની સિનેમેટોગ્રાફીને. એટલી કલાત્મક અને દિલ પર કબજો જમાવી લે એવા રંગમિશ્રણ જાણે કોઈ કેનવાસ પર ચિત્ર વહી રહ્યું હોય એ રીતે ઉપસી આવે છે.

એક અદભુત ફિલ્મ એટલે "બાજીરાવ-મસ્તાની", આ વર્ષની સૌથી બેસ્ટ સુપરહિટ ફિલ્મ એટલે બાજીરાવ મસ્તાની, પરદા પર દોડતી, આખડતી, રડતી અને પ્રેમ કરતી કવિતા એટલે બાજીરાવ મસ્તાની.

Ratings :- 5/5

બોનસ :-
૧.) યોદ્ધા હું, ઠોકર પથ્થર સે લાગે તભી હાથ તલવાર પર જાતા હે.
૨.) કિસકી તલવાર પર સીર રખ્ખું યે બતા દો મુજે, ઈશ્ક કરના અગર ખતા હે તો સઝા દો મુજે.
૩.) ચિત્તે કી ચાલ, બાઝ કી નઝર ઓર બાજીરાવ કી તલવાર પર સંદેહ નહિ કરતે, કભી ભી માત દે સકતી હે.
૪.) જો તુફાની દરિયા સે બગાવત કર જાયે વો હે ઇશ્ક, ભારે દરબારમેં જો દુનિયા સે લડ જાયે વો હે ઇશ્ક, જો મહેબુબ કો દેખે ઓર ખુદા કો ભૂલ જાયે વો હે ઇશ્ક.
૫.) આપ હમસે હમારી ઝીંદગી માંગ લેતે તો ખુશી ખુશી દે દેતી, પર આપણે તો હમારા ગુરુર હી છીન લિયા.

૬.) બાજીરાવને મસ્તાની સે મોહબ્બત કી હે, ઐયાશી નહિ.