બુધવાર, 15 જુલાઈ, 2015

બાહુબલી


ભારતના ઈતિહાસની સૌથી મોટી અને સૌથી ખર્ચાળ ફિલ્મ એટલે ફિલ્મ "બાહુબલી". હોલીવુડની ફિલ્મોને આપણા દિગ્દર્શક એવા એસ.એસ. રાજમૌલી દ્વારા અપાયેલો જડબાતોડ જવાબ એટલે "બાહુબલી". ખરેખર રાજમૌલીએ આ ફિલ્મને એટલા વિશાળ ફલક પર બનાવીને મૂકી દીધી છે કે જેની નોંધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સંસ્થાઓ પણ લેવા માટે મજબુર બની છે અને ફિલ્મને સૌથી વધારે ૯.૫નું રેટિંગ આપ્યું છે. ફિલ્મ વિશેની ઘણી બધી માહિતીઓ મેં ફિલ્મની રીલીઝ પહેલા મૂકી હતી એટલે એ બધી વાતો ફરીવાર નહિ કરીએ, નીચે લીંક પરથી તમે વાંચી શકશો.
.
ફિલ્મ રીલીઝ પહેલાના લેખની લીંક
.
ફિલ્મની સ્ક્રીપ્ટ પાછળ રાજમૌલીએ લગાવેલા એ ૯ વર્ષ અને ૧ વર્ષ કરતા વધારે પોસ્ટ પ્રોડક્શનમાં લગાવેલો સમય જે આજ સુધી એકેય ફિલ્મ માટે નથી લાગેલો એ બધી મહેનત ફિલ્મ જોઇને લાગે છે કે મહેનતનો રંગ અને ધીરજના ફળ મળે જ છે. ફિલ્મની એક એક ફ્રેમ, એક એક સીન જોઇને મોઢામાંથી વાહ નીકળી જાય છે. એક આખું રાજ્ય ઉભું કરવું, મોટા મોટા સેટ્સ, દરેકના હથીયારો, દરેકના કોશ્ચ્યુમ, મેકઅપ, આ બધું ખુબ જ મહેનત માંગી લેતું કામ છે અને આટલા બધાને એક સાથે સાચવવા અને આખી ટીમ લઈને આટલી મોટી ગ્રાન્ડ ફિલ્મ બનાવવી એ રાજમૌલી સિવાય બીજા કોઈ કરી શકે એવું લાગતું નથી. પાણીના ધોધનો ગડગડાટ, ખડકો, કુદરતી દ્રશ્યો, તમન્નાની ખુબસુરતી આ બધું જોઇને દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય છે. આટલી મોટી સેનાના યુદ્ધના દ્રશ્યો કેમેરામાં કંડારવા એ એક ફિલ્મમેકરની કળાની કસોટી કરી લેતું કામ છે જેમાં રાજામૌલી ખરા ઉતર્યા છે. આ બધું એક સાથે મિક્સ કરીને ૭૦ એમએમના પરદા પર જોવાનો એક લહાવો છે.
.
પ્રભાસ -બાહુબલી ને પરદા પર જાણે જીવંત બનાવી દે છે. હાથના બાવડામાંથી ફાટા-ફાટ થતી નસો, એક વીર મર્દાનાને શોભે એવું શરીર સોષ્ઠવ, અને દમદાર એક્ટિંગ બધું જ આઉટસ્ટેન્ડિંગ છે. કોઈ એક બાબતે પણ નેગેટીવ માર્ક્સ કાપી શકાય એમ નથી. રાણા દગ્ગુબાતીએ પણ આ ફિલ્મ માટે જીવ રેડી દીધો છે. ભ્લ્લાલદેવનો રોલ કરવામાં થોડી પણ કચાશ નથી. તમન્ના ભાટિયાને જોઇને યશ ચોપરાની ફિલ્મોની હિરોઈન અને ખુબસુરતી યાદ આવી જાય છે. એકદમ કલાત્મક રીતે પ્રભાસ એક યોદ્ધાના રૂપમાં રહેલી તમન્નાને એક ખુબસુરત પરીના રૂપમાં ફેરવી દે છે જાણે કે કોઈ ચિત્રમાં રંગો ભરતો હોય. અનુષ્કા શેટ્ટી જેનો રોલ ખુબ નાનો છે આ ભાગમાં, પરંતુ બીજા ભાગમાં એનો રોલ થોડો મોટો આવશે. પહેલીવાર જ્યારે એનો ચેહરો બતાવે છે ત્યારે તમે થોડીવાર માટે તો ઓળખી જ નાં શકો કે આ અનુષ્કા શેટ્ટી હશે. ૧૦૦ ફીટની વિશાળકાય પ્રતિમા ઉભી કરતી વખતે બાહુબલીનો નાદ થાય છે અને અનુષ્કાની આંખોમાંથી જે અંગાર વહે છે, જે એક્ષ્પ્રેશન છે એ સીટ પર બેઠા બેઠા પણ ડરાવી મુકે છે. રમ્યા ક્રિશ્નન જે એક મહત્વના રોલમાં દેખાય છે એમને જોતા જ દિલથી સન્માન આપવાનું મન થાય છે. જયારે જ્યારે પણ પરદા પર આવે છે ત્યારે ત્યારે એનું જાજરમાન વ્યક્તિત્વ જોઇને દિલ ખુશ થઇ જાય છે. એક સન્માન, આદરભાવ જન્માવી દે છે. ફિલ્મના ટર્નીંગ પોઈન્ટમાં મહત્વનો રોલ કરનાર સત્યરાજ (ચેન્નાઈ એક્ષ્પ્રેસ ફિલ્મમાં દીપિકાના પાપાનો રોલ કરનાર) પણ પોતાની એક્ટિંગ તરફ ધ્યાન ખેંચવા મજબુર કરે છે અને "મક્ખી" ફેઈમ સુદીપ પણ થોડીવાર માટે આવીને એક છાપ છોડી જાય છે. એકદમ કુદરતી એક્ટિંગ કરનાર નાસર એ આ ફિલ્મમાં બીજ્લાલદેવનું પાત્ર હુબહુ દર્શાવ્યું છે.
.
વિવિધ પ્રકારના હથીયારો, પ્રાણીઓ, રણનીતિઓ, વ્યૂહરચનાઓ જોઇને જાણે કોઈ મહાભારત જેવું મહાકાવ્ય વાંચતા હોઈએ એવું લાગે છે. એક પછી એક દ્રશ્યો આંખ સામે આવતા જાય છે અને ધીમે ધીમે આખી સ્ટોરી ક્લીયર થતી જાય છે જેનો આધાર છે એક મજબુત સ્ક્રીનપ્લે પર. જેમાં પણ રાજ્મૌલીની ટીમે પૂરેપૂરું ધ્યાન આપ્યું છે. વિજયેન્દ્રપ્રસાદે લખેલી આ સ્ટોરીનો સાચો ખ્યાલતો ૨૦૧૬માં આવનાર આ ફિલ્મના બીજા ભાગમાં આવશે. એ.આર. રહેમાનના ગુરુ ગણાતા એવા એમ.એમ. કીરવાનીએ ફિલ્મનું મ્યુઝીક આપ્યું છે જે થોડે ઘણે અંશે સારું છે અને ફિલ્મના એક પણ ગીતમાંથી કોઈ ગીત ધ્યાન ખેંચે એવું નથી. ફિલ્મના સેકંડ હાફથી શરુ થતી એક્સાઈટમેન્ટને વચ્ચે આવતું આઈટમ સોંગ ફિલ્મનો લય ભાંગી નાખે છે જે ગીતની કોઈ જરૂરીયાત જ નથી. ત્યારબાદ જે યુદ્ધના દ્રશ્યો ફિલ્મમાં આવે છે એમાં એટલા ઓતપ્રોત થઇ જવાય છે કે ફિલ્મ અચાનક પૂરી થઇ જાય એવું લાગે છે. આર્ટ ડીઝાઈન અને પ્રોડક્શન ડિઝાઈન પર નેશનલ એવોર્ડ વિનર "સુબુ ક્રીલ"નું ભેજું લાગેલું છે. સુબુ ક્રીલનું કામ આ ફિલ્મને એક વિશાળ ફલક પર લઇ જાય છે અને ફિલ્મને ગ્રાન્ડ બનાવી દે છે. VFX નું કામ આ ફિલ્મમાં ખુબ જ મહત્વનું છે. "જુરાસિક વર્લ્ડ"ની VFX ટીમે આ ફિલ્મ માટે કામ કર્યું છે.
આમ ખુબ સારી એવી ફિલ્મ જે ભારતની દરેક ફિલ્મો માટે એક માઈલસ્ટોન બની જશે.
.
Waiting 2016 - Baahubali - The Conclustion
પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત.
.
Ratings :- 4/5
.
જય માહિષ્મતી

ટિપ્પણીઓ નથી: