મંગળવાર, 30 સપ્ટેમ્બર, 2014

એક સળગતો સવાલ – દીકરી બોજ કે ભગવાનનું વરદાન ?

જ્યારથી સમજણો થયો ત્યારથી મને એક વાત પર સતત ગુસ્સો આવ્યો છે કે હજુ પણ ઘરમાં દીકરીઓ એક બોજ તરીકે જોવાય છે, એના પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે. દરેકને વારસદાર તરીકે દીકરો જ જોઈએ છે. દીકરી તો પારકી થાપણ કહેવાય એ તો આજે છે ને કાલે સાસરે ચાલી જાય પછી આપણું કોણ ? આવું બધું બોલીને દીકરીને હાસીયામાં ધકેલી દેવામાં આવે છે.
શું કામ હજુ પણ આવી માન્યતાઓ ટકી રહી છે એ નથી સમજાતું. દુનિયા કયાની ક્યાં પહોચી ગયી પરંતુ હજુ પણ આપણો પછાત વર્ગ ત્યાનો ત્યાં જ છે. ગામડાઓમાં હજુ પણ ડોશીઓ ઘરની વહુઓને મહેણાં મારે છે કે તારે દીકરો નથી, દીકરી લઈને આવી ગયી. હવે એ ડોશીને કોણ સમજાવે કે એ પોતે પણ કોઈકની દીકરી જ છે અને એના જન્મ વખતે એને એના માં-બાપે દૂધ પીતી કરી દીધી હોત તો આજે આ બોલવા જીવતી નાં હોત.
એક રાજસ્થાની ભાઈ મારા મિત્ર છે, એમના ઘરે ૩ દીકરીઓ છે. હવે મેં જેમ ઉપર કહ્યું એમ કે ડોશી જીવ લઇ જાય છે કે દીકરો નથી દીકરો નથી. અત્યારે એ ભાઈના પત્ની પ્રેગ્નન્ટ છે, હવે બિચારા રોજ બળતરા કરે છે કે દીકરો આવે તો સારું, દીકરો આવે તો સારું નહીતર મારી પત્નીને આખી જિંદગી સાંભળવાનો વારો આવશે કે વાંઝણી છે એમ.
હજુ એક દાખલો જે મારા ખુદના કુટુંબનો જ છે અને મને જાહેરમાં બોલવામાં સહેજ પણ ખચકાટ નથી કારણ કે જે ખોટું છે એ ખોટું જ છે. મારા દાદાના દીકરાના ઘરે પણ ૩ દીકરીઓ છે. એમની પણ સરખી જ વાર્તા. પણ મારા કુટુંબમાં તો બે ડગલા આગળ ચાલ્યા. જેવા મારા ભાભી પ્રેગ્નન્ટ થાય એટલે ખાનગી દાક્તરો પાસે ચેકઅપ કરવા જાય કે સંતાનમાં દીકરો છે કે દીકરી. અને જો દીકરી હોય તો એબોર્શન કરાવી નાખવાનું. ૨ દીકરીઓની બાળહત્યા કરી. આવું જ એક બીજા ભાઈના ઘરમાં પણ થયું. અને આ હત્યા કરવામાં સાથ આપનાર મારી ખુદની જનેતા. જેનો આ ગુનો હું ક્યારેય ભૂલી નહિ શકું અને જો ભગવાન મને માફ કરવાનું વરદાન પણ આપે ને તો હું માફ પણ નહિ કરી શકું એટલી તીવ્રતાથી એ ઘા મારા હૃદયમાં લાગેલો છે. હું ઘણી વાર પસ્તાવો કરું છું કે એમણે મને નાનો ગણીને કોઈ દિવસ મારી વાત સાંભળી જ નહિ.
ફાઈનલી મારા ભાઈના ઘરે દીકરો આવ્યો ત્યારે આખા ગામમાં પેંડા વેચ્યા. સાલું, આ તો ક્યાંનો ન્યાય ?? દીકરી આવે તો મોઢા બગાડે, દીકરો આવે તો પેંડા વહેંચે. ઘણાની એવી દલીલો પણ સાંભળી કે દીકરીના કરિયાવર મોંઘા પડે, દીકરીને સાચવવી અઘરી પડે અને કાલ ઉઠીને કોઈકની સાથે ભાગી ગયી તો સમાજમાં મારે શું મોઢું બતાવવું ? હવે મને આજ સુધી એ નથી સમજાયું કે એવું ક્યાં સાહિત્ય કે શાસ્ત્રમાં લખ્યું છે કે દીકરો આવશે તો એ કોઈને લઈને નહિ ભાગે અને પોતાનું જ કહ્યું માનશે એમ. એની પાસે ક્યાં ધર્મનો એવો ગ્રંથ છે જેમાં લખ્યું છે કે દીકરો હશે તો ઘડપણમાં એમને સાચવશે જ એની ખાતરી છે ? મેં અત્યાર સુધી જે જોયેલું છે એમાં એજ જોયેલું છે કે જયારે પણ કોઈ માં કે બાપ બીમાર પડે ત્યારે દીકરો ખાલી દવા લાવી આપે છે એમની પાસે ટાઈમ નથી હોતો કે એ બાપને પૂછે કે હવે તમને કેમ છે એમ ? પણ દીકરી હોય ને તો માં-બાપની પાસે પ્રેમથી બેસીને એમનું વ્હાલથી ધ્યાન રાખે છે, વાતો કરે છે અને આમ જ અડધી બીમારી તો ઠીક થઇ જાય છે.
આજે એક કડવી વાસ્તવિકતા એ છે કે દરેકને પોતાના ઘરમાં દીકરી નથી જોઈતી પણ પથારીમાં સ્ત્રી જરૂરથી જોઈએ છે, ઘર સાચવવા માટે પત્ની જરૂરથી જોઈએ છે, વ્હાલ કરવા માટે માં જરૂરથી જોઈએ છે, ઝઘડા કરવા માટે બહેન જરૂરથી જોઈએ છે. દીકરો માં-બાપને સાચવશે કે નહિ એની કોઈ ગેરંટી નથી પણ દીકરી બે ઘર તારવશે અને એના માં-બાપની સારસંભાળ પણ રાખશે એની પાકી ખાતરી છે મને. એવું મારું માનવું છે, તમે શું વિચારો છો એની મને ખબર નથી.
મારી માને મારા માટે રૂપાળી ઘરવાળી જોઈએ છે પણ એણે જે દીકરીઓની ગર્ભહત્યા કરાવી એનું એને કઈ મનમાં નથી કે મેં કોઈકની થનાર પત્નીને મારી કે કોઈકની માં-બહેનને મારી નાખી એમ. આજે દરેક જ્ઞાતિમાં આજે બધાએ એમ કહેવું છે કે અમારી જ્ઞાતિમાં છોકરીઓની તાણ છે, પણ છોકરીઓને જન્મ આપવા કોઈ કુટુંબ રાજી નથી. આતો કેવી વિચારસરણી ?
મારી સોસાયટીમાં રહેતા એક ભાઈ મને એક દિવસ કહે કે મારી દીકરી ૪ દિવસથી એના મામાના ઘરે ગયી છે તો ઘર એકદમ ખાલી ખાલી લાગે છે. ત્યારે એમ થયું કે હાશ કોઈક તો છે જે આવું પણ વિચારે છે અને બોલે છે. દીકરીને મોટી કરવી, હરખથી એનો લગ્નપ્રસંગ કરવો, કેપેસીટી મુજબનો કરિયાવર કરવો એ દરેક બાપને હરખ હોય છે. દીકરી વગરનું ઘર એકદમ ખાલી ખાલી લાગે છે, ઘરમાં કોઈ ઉત્સાહ કે ઉમંગ નથી હોતો, મારા મતે તો દીકરી વગરનું ઘર સ્મશાન જેવું હોય છે.
બીજા એક મિત્રની વાત છે કે એમના ઘરે ૭-૮ વર્ષની દીકરી છે. એને ખુબ લાડ લડાવે છે પણ ઘરની બહાર નીકળતાની સાથે જ એ માણસ બીજાની છોકરીઓ પર લાઈન મારતો ફરે છે, એની સાથે સુવાના પ્લાનિંગ કરે છે. એ માણસ એમ નથી વિચારતો કે કાલે સવારે મારી દીકરી પણ ૨૦ વર્ષની થશે ત્યારે કોઈ પોતાની દીકરી સાથે ગેરવર્તણુક કરશે ત્યારે સહન કરી શકશે ? પોતાની દીકરી સોનાની અને બીજાની દીકરી પત્થરાની ??
હું તો એ જ રાહ જોઈ રહ્યો છું કે આપણા પછાત વર્ગના સમાજની માનસિકતા ક્યારે બદલાશે ? દીકરીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે પણ દીકરાની વહુ જયારે ઘરમાં આવે ત્યારે એણે દીકરી તરીકે સ્વીકારવામાં નથી આવતી એ આજીવન વહુ જ રહે છે. હવે આમાં શું સમજવું ? દીકરી બોજ છે કે ભગવાન નું વરદાન ? તમે શું વિચારો છો ?
ભારતની દરેક દીકરીને અર્પણ.

રવિવાર, 14 સપ્ટેમ્બર, 2014

કોને પુછુ અને કોને નાં પુછુ ?

વિચારોના વમળોની વચ્ચે સર્જાણી એક મનમોહક મજાની કૃતિ,
પણ આ કૃતિ છે કે પ્રતિકૃતિ ? કોને પુછુ અને કોને નાં પુછુ ?
હવે તો શમણાંઓમાં પણ થઇ ગયી છે આવન-જાવન શરૂ એની,
એને હવે પગ દુખે છે કે નહિ ? કોને પુછુ અને કોને નાં પુછુ ?
હવે દિલના દરવાજે મારે છે હળવેથી દસ્તક અને માંગે છે મંજુરી,
એને આવકારું કે પછી જાકારું ? કોને પુછુ અને કોને નાં પુછુ ?
હવે તો નથી એનું ભાન કે થાય છે મને આ શું અને કઈ છે બીમારી,
આ બીમારીનો ઈલાજ છે કે નહિ ? કોને પુછુ અને કોને નાં પુછુ ?
રાત-દિવસ નીરખ્યા કરું છું એને, મારા અવિરત નયનોના સંગાથે,
આખો બંધ કરું તો એ જશે કે નહિ ? કોને પુછુ અને કોને નાં પુછુ ?
હવે તો ક્યાં ઠાલવું આ મારા હૃદય તણી વેદનાઓના અસબાબને,
કોઈ વેદનાપેટી બની છે કે નહિ ? કોને પુછુ અને કોને નાં પુછુ ?

શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2014

મેરી કોમ


વિવિધ પ્રકારના રોલ કરવા માટે જાણીતી પિગી ચોપ્સ (પ્રિયંકા ચોપરા)એ આ વખતે ભારતની ૫ વખત વિશ્વ ચેમ્પિયન રહી ચુકેલી બોક્સર મેરી કોમનો રોલ કર્યો છે. જેમાં એની મહેનત અને લગન દેખાઈ આવે છે. એમની એક્ટિંગ અને મહેનતને વર્ણવવા માટે આજે શબ્દો ઓછા પડે એમ છે. પોતાની પહેલી ફિલ્મ દિગ્દર્શિત કરનાર ઓમંગ કુમારનું કામ સારું છે. દિગ્દર્શક તરીકે શરૂઆત સારી રહી એવું કહી શકીએ. બીજા અજાણ્યા કલાકારોનું કામ પણ સારું રહ્યું છે, તેઓએ પોતપોતાના રોલ સરસ રીતે ભજવ્યા છે.
સામાન્ય રીતે બાયોપિક ફિલ્મમાં સંગીત વધારે મહત્વનું હોય છે કે જે દર્શકોના હાથ-પગ થીરકાવી શકે અને રૂંવાડા બેઠા કરી શકે. પણ આ ફિલ્મમાં એની જ કચાશ રહી ગઈ છે. ફિલ્મનું સંગીત એવરેજ છે. ફિલ્મ માટે વિષય સારો પસંદ કર્યો છે પણ ફિલ્મી પરદે ઉતારવામાં ઘણી ખામી રહી ગયી છે. સ્ક્રીપ્ટ થોડી નબળી છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ એ ફિલ્મના સેકંડ હાફ કરતા થોડો સ્લો અને નીરસ છે. ફિલ્મ તમને તમારી સીટ પર ઝકડી રાખે એવી બનાવવામાં ઓમંગ કુમાર નિષ્ફળ રહ્યા છે. ફિલ્મના ગીતો પણ એવરેજ છે.
પણ એકવાર ફિલ્મ જરૂરથી જોઈ શકો છો જેનાથી જાણી શકીએ કે એક રમતવીરના જીવનની તકલીફો શું હોય છે, દેશમાં ચાલતું રમત પ્રત્યેનું રાજકારણ કેવું ગંદુ હોય છે કે જેનો સામનો કરીને પણ આપણા રમતવીરો આપણા દેશ માટે મેડલ લાવી આપે છે.
Ratings :- 3/5