રવિવાર, 30 નવેમ્બર, 2014

સ્વચ્છ ભારત અભિયાન


લોકમુખે છે ભારત દેશ મહાન, કરવા પડે છે તોય કેમ સ્વચ્છ ભારત અભિયાન ?
કહેવાય છે સોને કી ચીડિયા દેશ આ મારો, પણ આમાં ક્યાંથી બને ભારત મહાન ?
કરવા જલસા, અને ફેકવા કચરા, અને સાથે કરવી છે પ્રગતિની મોટી-મોટી વાત,
સાફ કર પહેલા તારા અંદર રહેલા માણસને, પછી બને આપણો ભારત દેશ મહાન.
પ્લાસ્ટિક,એંઠવાડ,કચરો નાખે છે પોતે આમ-તેમ,પછી બોલે છે ગંદો છે આપણો દેશ,
પહેલા તું સુધર ભાઈ! પછી સુધારજે આ દુનિયા, પછી બને આપણો ભારત દેશ મહાન.
તે કરેલી ગંદકીઓ તું જ અટકાવ,શીખવ તારા સંતાનોને સંસ્કાર સાથે સ્વચ્છતાની શીખ,
બની જશે એક સ્વચ્છ,સુઘડ ને સુંદર આ વિસ્તાર,પછી બને આપણો ભારત દેશ મહાન.
વહેલા પરોઢિયે જવું છે બહાર અને કરવા છે ગંદા રેલ્વે-ટ્રેક અને ખેત ખલીયાન,
બનાવ શૌચાલય ઘરમાં, બચી જશે આબરૂ તારી,પછી બને આ ભારત દેશ મહાન.
શિષ્ટાચારની વાતો બનાવીને કરવા છે ભ્રષ્ટાચાર, કરવા પડે છે જેના માટે અનશન,
બતાવ તારી ઈમાનદારી અને પ્રમાણિકતા, પછી બને આપણો આ ભારત દેશ મહાન.
દીકરી નથી જ્યાં સુરક્ષિત, ત્યાં અવાજ ઉઠાવો આજ, કરો શિક્ષિત સમાજની શરૂઆત,
વિકાસ જોઈ તમારો દુનિયામાં થશે તમારું નામ, પછી બને આપણો ભારત દેશ મહાન.
રાખશે ટકા-ટક પોતાનું ઘર અને નહિ ફેંકે કચરો જ્યાં-ત્યા અને રાખશે સ્વચ્છ સમાન,
આ દેશ પણ છે આપણો જ પોતાનો, તોય કરવા પડે છે કેમ આવા સ્વચ્છતા અભિયાન ?

ગુરુવાર, 20 નવેમ્બર, 2014

સફળતા - આબાદી કે બરબાદી ?

            દરેકની જીંદગીમાં કંઈકને કંઈક લક્ષ્ય હોય છે જેને તે પોતાની ભાષામાં સફળતા કહે છે. સફળતાના માપદંડો વ્યક્તિએ-વ્યક્તિએ અલગ હોય છે. કોઈના મતે સારો બીઝનેસ સફળતા છે, કોઈના મતે સારા પૈસા સફળતા છે, કોઈના મતે સારી કારકિર્દી સફળતા છે. પરંતુ પોતાની વ્યાખ્યામાં સફળ થયા પછીની સ્ટોરી દરેક માણસની લગભગ સરખી જ હોય છે. કારણ કે સફળતા મેળવવી સહેલી હોય છે પરંતુ એને ટકાવવી અઘરી હોય છે.


            સફળતા કઈ જેવી તેવી વસ્તુ નથી. સફળતા સિંહણના દૂધ જેવી હોય છે જેને માત્ર સોનાના પાત્રમાં જ ભરી શકાય છે. બીજી ધાતુના પાત્રમાં દૂધ ભરાય પણ જાય પણ એ ધાતુને તોડીને બહાર નીકળી જાય છે. એવી જ રીતે સફળતા પણ સિંહણના દૂધ જેવી હોય છે. દરેક વ્યક્તિ સફળતા ટકાવી શકતો નથી, સફળતા પચાવી શકતો નથી. ક્યારેક ક્યારેક સફળતા માણસ પાસે એવા એવા કામ કરાવે છે જે પોતાના આત્મસન્માનની વિરુધ હોય છે પણ જયારે સફળતાનો નશો માણસના સર પર સવાર હોય છે ત્યારે એની નજરમાં કઈ પણ સારું ખરાબ હોતું નથી. માણસના શોખ પણ આપોઆપ બદલાય જાય છે અને વધી પણ જાય છે. માણસના વિચારોના માપદંડો ભુલાઈ જાય છે. માણસમાં અહંકારના લક્ષણો દેખાવા લાગે છે. ખુબ સચોટ રીતે આ વાત પર બંધબેસતા હોય એવા માણસો બીઝનેસ અને ફિલ્મ લાઈનમાં જોવા મળે છે. "ડર્ટી પિક્ચર" અને "હિરોઈન" ની વાર્તા આના પર એકદમ ફીટ બેસે છે. એમાં આ વાતને હુબહુ રજુ કરવામાં આવી છે.

             સફળતા મેળવ્યા બાદ માણસે વધુને વધુ નમ્રતા દાખવવી પડે છે નહીતર જેટલો સમય સફળતા મેળવવામાં લાગ્યો હોય છે એનાથી અડધા ભાગના સમયમાં માણસની બરબાદી લખાય જાય છે અને એ બરબાદી પોતાની સાથે બીજાઓને પણ બરબાદ કરી નાખે છે. માણસ એમ વિચારવા લાગે છે કે દુનિયામાં પોતે એક જ છે જેની પાસે આ સફળતા છે.તે જલ્દીથી હકીકતોને સ્વીકારી શકતો નથી. પોતાને દુનિયાની ટોચ પર જોયા પછી પોતાને એ જ ભીડમાં જોઈ શકતો નથી અને માણસ જેમ જેમ આગળ વધતો જાય છે એમ એમ પોતાના સંબંધોને પણ પાછળ છોડતો જાય છે.
કોઈકે સાચું જ કહ્યું છે કે -


" ઝીંદગીમેં ઇતના ભી આગે મત બઢો કી પીછે કોઈ દિખાઈ હી નાં દે, યા ફિર પીછે કે લોગ બહોત છોટે દિખાઈ દે"

બુધવાર, 19 નવેમ્બર, 2014

What is Love Yaar ???

આજે અચાનક મનમાં આવેલો સવાલ :- What is Love Yaar ???
પછી વિચાર્યું કે કંઈક તો છે આ તત્વ કે જે કંઈક અલગ જ પ્રકારની લાગણીનો એહસાસ કરાવે છે. કંઈક તો એવું તત્વ છે કે જે પોતાની જાત કરતા પણ વધારે વિશ્વાસ મુકવા માટે મજબુર કરે છે. કંઈક તો એવું તત્વ છે કે જે પોતાની અંદરની ઉર્મીઓને ઉભરતા રોકી શકતું નથી. કંઈક તો એવું બોન્ડીંગ છે જ કે જે કોઈ બે હૃદયને કોઈક એવા ખૂણેથી જોડી રાખે છે. કંઈક તો એવું તત્વ છે કે જે પ્રેમ અને નફરતને એક સિક્કાની બે બાજુ બનવા માટે મજબુર કરે છે. માણસ નફરત એને જ કરે છે જેને તે સૌથી વધારે પ્રેમ કરી શકે છે.

હૃદયમાં જયારે લાગણીઓનું ઘોડાપુર વહે છે ત્યારે એ આંસુઓનો ધોધ સામેનું હૃદય સહન કરી શકતું નથી અને ૧૦૦ ભૂલ કરવા છતાં પણ પ્રેમથી એક વાર બોલાયેલું સોરી એ દરેક ગીલા શિકવા ભુલાવી દે છે એનું નામ જ પ્રેમ. ઈર્શાદ કામિલ અને અમિતાભ ભટ્ટાચાર્યના લખેલા ગીતને સાંભળતા જ પોતાના પ્રિયપાત્રનો ચેહરો સામે આવે એનું નામ જ પ્રેમ. એની ગેરહાજરીમાં એને ભાવતી વાનગીઓ બનાવીને અથવા બહારથી મંગાવીને ખાવી, એને ગમતી ફિલ્મો જોવી, એને ગમતી એક્ટીવીટી કરવી અને એને ખબર પણ નાં પડવા દેવી એનું નામ જ પ્રેમ. આવેલા પ્રોબ્લેમ્સની ગંભીરતાને આંખોથી વાંચી લઈને એમને સામેથી બોલવા માટે સમય આપવો અને ધરપત આપવી એનું નામ પ્રેમ. આખો દિવસ ઝઘડો કર્યા પછી પણ જો પોતાને અથવા સામેવાળા પાત્રને કઈ થઇ જાય તો આખી રાતનો ઉજાગરો કરીને પણ એની સંભાળ રાખવી એનું નામ પ્રેમ.

આપણો સમાજ જેને એક લફરા તરીકે જુવે છે અને એને ધિક્કારે છે. સમાજની બીક, કુટુંબની મર્યાદા આ બધી બાબતો આજની યંગ જનરેશનને સહેજપણ ગમતી નથી છતાં પણ એકબીજા પર વિશ્વાસ રાખીને પોતાના કુટુંબને મનાવીને પોતાની સપનાઓની જિંદગી જીવે છે, ગમે તેવા મસ્તીખોર અને પોતાની જાત પ્રત્યે મેચ્યોર ન હોય એવા માણસને પણ એક જવાબદાર વ્યક્તિ બનાવી દે છે એનું નામ પ્રેમ. ફૂલ લાઈફ જેની સાથે વીતવાનું મન થાય, ઝરમર વરસતા વરસાદમાં ઘરની બહાર રહેલા બગીચાના લીલાછમ ઘાસમાં એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલવાનું મન થાય એનું નામ પ્રેમ.

મને તો બસ એટલું જ સમજાય છે કે હું ફક્ત અને ફક્ત તારા માટે જ જન્મ્યો છું કે જે તને મન ભરીને પ્રેમ આપી શકે, કે જે તારી સાથે જીવી શકે. હું જ છું એ કે જે તારા દરેક સપનાઓને પુરા કરવા માંગે છે, હું જ છું એ કે જે તારા દરેક દુઃખમાં તારો ખભો બનવા ઈચ્છે છે, હું જ છું એ કે જે તારી આંખમાં આવતા આંસુઓને રોકવા ઈચ્છે છે. હું જ છું એ કે જે મારા શર્ટનું તૂટેલું બટન તને પ્રેમથી રીક્વેસ્ટ કરીને સાંધવા ઈચ્છું છું. હું જ છું એ કે જે ઓફીસ જતી વખતે મારી ટાઈ તારા હાથે બંધાવાના બહાને તને બાહુપાશમાં લઈને મારી અંદર સમાવા ઈચ્છું છું. હું જ છું એ કે જે દર વિકેન્ડમાં મારા હાથે તને ભાવતી વાનગીઓ બનાવીને તારી સાથે કેન્ડલ લાઈટ ડીનર કરવા ઈચ્છું છું. આખી દુનિયા સામે આવું બોલવા મજબુર કરે એનું નામ જ પ્રેમ.

કોણ સમજાવે એને ?

સપનાઓને સાકાર કરવા માટે જરૂર પડે છે એક લક્ષ્યની,
કોણ સમજાવે એને કે દરેક સપનાઓ દેખાય એવા સુંવાળા નથી હોતા.
વિચારવું સહેલું લાગે છે કે બધું મને મળી જશે આરામથી,
કોણ સમજાવે એને કે સપનારૂપી દરિયાઓના કોઈજ કિનારા નથી હોતા.
લાગે છે કે કરશું સામનો નીડર બની સંજોગોના સંગ્રામનો,
કોણ સમજાવે એને કે નસીબ નામી વસ્તુના પત્તા કઈ નકામા નથી હોતા.
લક્ષ્ય પ્રાપ્તિ માટે મારે કોઈની જરૂર નથી એમ કહેનારાને,
કોણ સમજાવે એને કે સંબંધોના તાંતણા કઈ મજબુત પહાણા નથી હોતા.
કલિયુગમાં તો પૈસો જ પરમેશ્વર જેમ પૂજાય છે મારા ભાઈ,
કોણ સમજાવે એને કે દરેક સપનાના પાયા કઈ ભણતરના ભારા નથી હોતા.