શુક્રવાર, 28 એપ્રિલ, 2017

બાહુબલી ૨ : ધ કન્ક્લ્યુઝન


આખરે ૨ વર્ષથી જે સવાલ લોકોના મગજને કોરી ખાતો હતો એનો જવાબ રાજામૌલીએ આપી જ દીધો. કે શું કામ કટપ્પાએ બાહુબલીને માર્યો હતો ? પણ અહિયાં એ સવાલનો જવાબ નથી આપી રહ્યો હું, કેમ કે એ જવાબ જાણવા તો તમારે થિયેટર સુધી જવું જ રહ્યું. હું તો આવ્યો છું અહિયાં ફિલ્મની ભવ્યતાની વાત કરવા માટે.

આખા વિશ્વમાં ૮૫૦૦ સ્ક્રીન પર રીલીઝ થયેલી ગ્રાન્ડ ફિલ્મએ સ્ક્રીનરીલીઝમાં પણ એક રેકોર્ડ બનાવી નાખ્યો છે. ફિલ્મ જ્યારે એનાઉન્સ થઇ ત્યારે ફિલ્મના પ્રોડ્યુસર દ્વારા ફિલ્મનું બજેટ ૨૫૦ કરોડ આંકવામાં આવ્યું હતું પરંતુ સમય જતા બીજો ભાગ બનાવવા પાછળ બજેટ થોડું વધુ થઇ ગયું.
પરંતુ ફિલ્મની ભવ્યતા જ એટલી છે કે પહેલા ભાગની રીલીઝ પછી તો જાણે નક્કી જ થઇ ચુક્યું હતું કે બીજો ભાગ મેગા હિટ જ થવાનો છે એટલે એ ફિલ્મના સેટેલાઈટ રાઈટ્સ લેવા માટે ખુબ જ હરીફાઈ લાગી હતી અને ફિલ્મના એ રાઈટ્સ જ ૫૦૦ કરોડમાં વેચાઈ ગયા. આમ ફિલ્મ રીલીઝ પહેલા જ ૫૦૦ કરોડનો વકરો કરી ચુકી હતી. આટલી બધી સ્ક્રીન્સમાં એકસાથે બધા શો હાઉસફુલ જઈ રહ્યા છે એટલે ફિલ્મ એક જ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી જાય તો નવાઈ નથી.

વર્તમાન સમયમાં અને નજીકના ભવિષ્યમાં એસ. એસ. રાજામૌલી જેવા કામની નજીક પણ જઈ શકે એવો ડાયરેક્ટર દેખાઈ નથી રહ્યો. આટલું ક્લીયર વિઝન લઈને આ વ્યક્તિએ ભારતને એક એવી ફિલ્મની ભેટ આપી છે જેનું નામ લઈને આપણે આખા વિશ્વની ફિલ્મો સામે ટક્કર લઇ શકીએ છીએ. એક એક બાબતને ઝીણવટપૂર્વક ઓબ્ઝર્વ કરીને ફિલ્મમાં જાન રેડી દીધી છે. આટલું ભવ્ય ઈમેજીનેશન અને વિશાળ વિઝન ખુબ રેર લોકોમાં જોવા મળતું હોય છે. રાજામૌલી વિષે અને તેના કામ વિષે લખવા માટે પણ હવે તો શબ્દો ખૂટે છે એટલે ફક્ત થેંક્યું જ કહેવું રહ્યું.

આટલું મોટું સસ્પેન્સ, સુંદરતા, શૃંગારરસ, પ્રેમરસ, શોર્યરસ, છલકતું પૌરુષત્વ, જે વસ્તુઓ આપણે વિચારી પણ નાં શકીએ ત્યાં સુધીની રણનીતિઓ, ભરપુર ક્રિયેટીવીટી, સીટીઓ વગાડવા મજબુર કરી દેતા સીન્સ, રુવાડા બેઠા કરી દેતા યુદ્ધ દ્રશ્યો, ડાયલોગ્સ, વિઝ્યુઅલ ઈફેક્ટસ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ ખરેખર એક અલગ લેવલ પર જ બનાવી છે.

આ ફિલ્મ કોઈ ફિલ્મનો ભાગ છે એવું ફક્ત એક કટ્ટપ્પા વાળા સિક્રેટથી જ લાગે છે બાકી સંપૂર્ણપણે એક સ્વતંત્ર ફિલ્મ છે જેમાં કોઈ પણ દ્રશ્ય કે કોઈ પણ વસ્તુ રીપીટ થતી હોય એવું નથી લાગતું. નવી નવી યુદ્ધકલા, એકલો વીરપુરુષ આખી સેના પર ભારી પડે એવા યુદ્ધકૌશલ, સીટ પર જકડી દે એવી એક્શન સિક્વન્સ, ઘૃણા આવી જાય અને એની પહાડી કાયા અને પૌરુષી શુરાતન જોઇને ડરી જવાય એ હદની અસરકારક છાપ ઉભી કરનાર વિલન, ક્યારેય લાઈફમાં જોયા નાં હોય એવા શસ્ત્રો, રાજગાદી માટે રમાતા ષડ્યંત્ર, ભારતીય સૌન્દર્યથી ભરપુર એવી અપ્સરાસમાન નાયિકાઓ જે આંખોની સાથે સાથે તલવાર અને તીરકામઠાથી પણ વાર કરી શકે. આ બધું જ જાણે નજર સામે એવી રીતે આવે છે કે આસપાસ શું થઇ રહ્યું છે એ પણ ભૂલી જઈએ.

ફિલ્મમાં નબળું પાસું હોય તો એ હતું ફિલ્મનું મ્યુઝીક. જરૂર વગરના ગીતો જેમાં એવી ખાસ કશું જ નથી કે જેનાથી એ ગીત ગાવાનું મન થાય. બેકગ્રાઉંડ સ્કોર ઠીકઠાક છે. વિઝ્યુઅલ ઈફેક્ટસ માટે આ ફિલ્મ એક માઈલસ્ટોન સમાન સાબિત થશે. પરંતુ આ વખતે કોમ્પ્યુટર ગ્રાફિક્સ ઈમેજથી બનાવેલા પ્રાણીઓ અને અમુક દ્રશ્યો થોડા વિચિત્ર લાગી રહ્યા છે. એક જ વારમાં ૩ તીર છોડી શકાય એવું આ ફિલ્મ જોયા પછી ખબર પડી.

આ ફિલ્મ પછી પ્રભાસ ઇન્ડિયાનો સૌથી મોટો એક્ટર બની ચુક્યો છે અને તે તેની મહેનતનું પરિણામ છે. પોતાની કેરિયર સાથે ૫ વર્ષનો રમેલો જુગાર આખરે ફળ્યો. 5 વર્ષ ફક્ત એક જ પ્રોજેક્ટ પર કોન્સન્ટ્રેશન રાખવું એ ધીરજ માંગી લેતું કામ છે. જે પ્રભાસે પુરા હૃદયથી નિભાવ્યું છે. જ્યારે રાણા દગુબ્બતીની એક્ટિંગ પણ કોઇથી કમ નથી. પહેલા ભાગમાં ઉમરલાયક સ્ત્રીનો રોલ કરી રહેલી અનુષ્કા શેટ્ટી ફિલ્મના બીજા ભાગમાં સુંદરતાની મૂર્તિ દેખાઈ રહી છે. નસીર, રમ્યા કૃષ્ણન અને સત્યરાજ માટે પણ પોતપોતાની કેરિયરની બેસ્ટ એક્ટિંગ કરી છે.

બાહુબલી ૨ ની કેટલીક રસપ્રદ વાતો :-
૧.) બાહુબલીના આ બીજા ભાગનાં ફક્ત ક્લાઈમેક્સના દ્રશ્યને શૂટ કરવા માટે ૩૦ કરોડ રૂપિયા ખર્ચાયા છે.
૨.) ફિલ્મ રીલીઝ પહેલા જ સેટેલાઈટ રાઈટ્સથી જ ૫૦૦ કરોડ કમાઈ ચુકી છે.
૩.) ભારતની પહેલી એવી ફિલ્મ છે જે
4K હાઈ ડેફીનેશન ફોરમેટમાં દેખાડશે.
૪.) આ ફિલ્મની વિઝ્યુઅલ ઈફેક્ટ તૈયાર કરવા માટે ૬૦૦ આર્ટીસ્ટને કામ પર લગાવ્યા છે.
૫.) ફિલ્મ ડાયરેક્ટર એસ એસ રાજામૌલીએ એની લાઈફમાં આજ સુધી સીન્ગલ ફ્લોપ મુવી નથી આપી. એની દરેક મુવી સુપરડુપર હીટ રહી ચુકી છે.
૬.) આ ફિલ્મમાં ૩ ક્લાઈમેક્સ શૂટ કરવામાં આવ્યા હતા જેના કારણે કદાચ મુવી લીક થાય તો ક્લાઈમેક્સ બદલી શકાય.

ફિલ્મ વિષે હજુ વધુ જાણવા માટે નીચેની લીંક ક્લિક કરો.
૧.)
http://yadav-writing.blogspot.ae/2015/07/blog-post_15.html
૨.)
https://www.facebook.com/permalink.php?story_fbid=913602428704076&id=100001629829204

Ratings :- 4.5/5


જય માહિષ્મતી

ગુરુવાર, 20 એપ્રિલ, 2017

ભગવાન ભલું કરે...

બપોરના સમયનો એ કાળઝાળ તડકો વાતાવરણમાં ઉષ્મા ભરી રહ્યો હતો. સખત ગરમીના કારણે વાતાવરણમાં અને આ ગરમી સહન કરતા લોકોમાં ઉકળાટ હતો. તેમ છતાંય આ માયાવી મુંબઈનગરીના લોકોની ભાગદોડ ભરી ઝીંદગી ચાલુ જ હતી, એ જ ગતિએ, એ જ સમયે, એ જ ઉત્સાહથી. દરેક કશુંકને કશુંક મેળવવા, સાબિત કરવા અને ગુઝરાન ચલાવવા માટે આમ તેમ દોડીને પોતાની જિંદગીનો અમૂલ્ય સમય પોતાના કામમાં ફાળવી રહ્યો હતો.
મુંબઈ લોકલ ટ્રેનના એનાઉન્સમેન્ટ સતત ચાલુ જ હતા અને લોકો જાણે કોઈ વર્ષોની કેદમાંથી છૂટીને ભાગી રહયા હોય એમ આમ તેમ દોડી રહયા હતા અને ટ્રેનમાં લટકી લટકીને જઈ રહ્યા હતા. એવામાં એક ૨૮ વર્ષનો નવયુવાન ઝડપથી એક નાની લેપટોપ સાઈઝની બેગ લઈને ચડ્યો અને ૨ સ્ટેશન બાદ જગ્યા મળી જતા ત્યાં બેઠો. બારીની બહાર નજર કરીને ક્યાંક ખોવાયેલો એ યુવાન પોતાની ઝીંદગીમાં આવેલી તકલીફો વિષે વિચાર કરી રહ્યો હતો. એટલામાં જ એક ૩૫ વર્ષની ઉમરના એક ભાઈ આવીને તેની પાસે બેઠા. એટલે તે યુવાનનું ધ્યાન તે ભાઈ પર પડ્યું અને આ બધા વિચારો એક બાજુ મૂકીને તેની સાથે વાત કરવાનું મન થયું એટલે તેણે પેલા ભાઈને ખબર અંતર પૂછ્યા. તો પેલા ભાઈએ કશુય બોલ્યા વગર ફક્ત આકાશમાં ઈશારો કરીને સમજાવ્યું કે “ભગવાન ભલું કરે”
કોણ ભગવાન ? એ જો બધાનું ભલું કરતો હોત તો મારી આ પરિસ્થિતિ નાં હોત. ઘરમાં પાપા રીટાયર છે. મમ્મીની તબિયત સારી નથી રહેતી એટલે એની દવાઓનો ખર્ચો, પત્ની છોકરીઓના ડ્રેસની સિલાઈ કરી કરીને ઘરમાં થાય એટલી મદદ કરે છે અને છેલ્લા એક અઠવાડિયાથી મને બોસએ નોકરીમાંથી કાઢી મુક્યો છે. બીજી કોઈ જગ્યાએ મને નોકરી નથી મળતી. પૈસાની તંગીના કારણે ઘરમાં ઝઘડાઓ શરુ થઇ ચુક્યા છે. એક તરફ ઘરની લોનના હપ્તા, લેણદારોને દેવાના નીકળતા પૈસા અને તેનું વ્યાજ અને ઘરનું ગુજરાન આ બધું કેવી રીતે પાર પાડવું કઈ જ સમજાતું નથી. ઘરમાં આટલો કંકાસ છે કે ૨ દિવસ પહેલા મારાથી મારી પત્ની પર હાથ ઉપાડાઈ ગયો અને એ રિસાઈને એના પિયર જતી રહી છે અને તે પણ હવે પાછી આવવા તૈયાર નથી. હું કેટલો હલકટ માણસ છું કે મારી તો નોકરી ગઈ અને હું કશું કરતો પણ નથી અને મારી પત્ની તો એટલીસ્ટ ખાવાનો ખર્ચો નીકળે એટલું કમાઈને ઘરે મદદ કરી રહી હતી તોય મારો ગુસ્સો મેં એના પર ઉતાર્યો. એ એની રીતે સાચી જ છે. અત્યારે ભલે મારો ફોન સુદ્ધા નથી ઉપાડી રહી પરંતુ જેવી ક્યાંક નોકરી મળે અને બધું ઠેકાણે પડી જશે એટલે તરત જ હું તેને પાછી લઇ આવીશ. અત્યારસુધીના દરેક સંકટમાં એ મારી જોડે રહી છે. કોઈ પણ ફરિયાદ કર્યા વગર, કોઈ પણ મ્હેણાં ટોણા માર્યા વગર, જેટલું હોય એટલામાં જ એડજસ્ટ કરીને ચુપચાપ એ ઘર સાચવી રહી હતી એને હું મારું ફ્રસટ્રેશન એના પર ઉતારવા લાગ્યો. આમને આમ એ નવયુવાન સતત ૧૫-૨૦ મિનીટ સુધી બોલ્યો અને પેલા ભાઈએ શાંતિથી તેમની વાત સાંભળી. આખરે પેલા યુવાનની વાતો પૂરી થઇ અને જાણે લાગ્યું કે મનનો બધો ભાર હલકો થઇ ગયો. અંદર ભરાયેલી ચિંતા, ગુસ્સો બધું જાણે પેલા અજાણ્યા માણસ પાસે બહાર આવી ચુક્યું હતું. એવી વાતો પણ એણે કરી હતી જે તેના નજીકના મિત્રોને પણ ખબર નહોતી.
તે નવયુવાન આ અજાણ્યા માણસ પાસે બધું જ બોલી ગયો કારણ કે તે માણસે તેનું શાંતિથી સાંભળ્યું હતું. જીવનના ઘણા સમયકાળ દરમિયાન દરેકને કોઈ એક એવો વ્યક્તિ જોઈતો હોય છે કે જે તેને શાંતિથી સાંભળે, તેને સમજે. માણસને હૈયું ઉલેચવા માટે કોઈને કોઈની તો જરૂર પડતી જ હોય છે અને જેવું એ માણસ મળી જાય એટલે તરત જ એ ઉલેચી નાખતો હોય છે. આ નવયુવાનને પણ તે સમયે મગજમાં ભરાયેલો વિચારોનો કચરો પેલા ભાઈ પાસે ઠાલવી નાખ્યો હતો. એટલામાં જ સ્ટેશન આવ્યું અને તે ભાઈ ત્યાંથી ઉભા થઈને ઉતારવા લાગ્યા. જતા જતા એટલું જ બોલ્યા કે “હિંમતે મર્દા તો મદદે ખુદા. જે થાય તે બધું સારા માટે જ થાય.”
આટલી વાર સુધીમાં એ માણસ ફક્ત એક જ વાક્ય બોલ્યો અને એ પણ આવું ? પેલા યુવાનને ખુબ ગુસ્સો ચડી ગયો કે આટલું બધું એને કહ્યું અને આ બધું સારા માટે થાય છે ?? આમાં શું સારા માટે થયું ? બબડીને આખરે તે યુવાન પોતાના સ્ટેશન પર ઉતરી ગયો.
રાત્રે ઘરે પથારીમાં પડ્યો પડ્યો વિચારી રહ્યો હતો કે કદાચ પેલા ભાઈની વાત સાચી પણ હોઈ શકે. નોકરી કોઈ આપતું નથી તો હવે મારે પોતાનો બીઝનેસ શરુ કરવો જોઈએ. કદાચ મારું નસીબ કામ કરી જાય. હિંમત કરવાનું કહ્યું જ છે પેલા ભાઈએ તો હવે હિંમત કરી જ નાખીએ.
સવાર ઉઠતામાં જ પાપાએ બેંકમાં મુકેલી ફિક્સ ડિપોઝીટ તોડીને બધા જ પૈસા લઇ આવ્યો અને કોમ્પ્યુટર રીપેરીંગની એજન્સી કરી. પુરા મન સાથે આખરે તેણે આ ધંધામાં જંપલાવ્યું અને એ મહેનત આખરે ફળી. ઘરે જઈને કોમ્પ્યુટરનું રિપેરિંગ કરનાર આ એજન્સી ૧૧ મહિનામાં આખા મુંબઈ શહેરમાં ફેમસ થઇ ચુકી હતી અને હવે તો તેની નીચે પણ ૪૦ લોકોનો સ્ટાફ કામ કરી રહ્યો હતો. મોટો શેઠ બની ચુકેલો તે યુવાન તેની બધી જ તકલીફોમાંથી જાણે મુક્ત થઇ ચુક્યો હતો. ઘરની લોન ભરપાઈ થઇ ગઈ હતી, પત્ની પણ પાછી સાસરે આવી ચુકી હતી. બધા લેણદારોના પૈસા પણ ચૂકવાઈ ગયા હતા. એ ઉપરાંત હવે તે યુવાન પાસે પોતાની ગાડી પણ હતી. તે રોજ તે ભાઈને યાદ કરી કરીને દુવાઓ આપતો કે તેણે મને જો તે દિવસે મને પુરેપુરો સાંભળીને તે શબ્દો નાં કહ્યા હોત તો આજે મારું શું થયું હોત એ નાં ખબર હોત. કાશ ! એકવાર તે ભાઈ મળી જાય તો એનો પુરા હૃદયથી આભાર વ્યક્ત કરવો છે.
દિવસો પસાર થતા ગયા અને પેલો યુવાન રોજે તે ભાઈને યાદ કરીને જ કામની શરૂઆત કરતો. એક દિવસ પોતાની કારમાં પંક્ચર થયું અને એક જગ્યાએ પહોચવાની ઉતાવળ હતી. સ્ટાફની બીજા કોઈની ગાડી લઇ જાય પણ ટ્રાફિક નડે તો મોડું થાય એમ હતું આથી તેણે ટ્રેનમાં જવાનું જ નક્કી કર્યું. ટ્રેનમાં ચડતી વખતે તેને ફરીથી એ દિવસ યાદ આવ્યો જે દિવસે તે પેલા ભાઈને મળ્યો હતો અને તેની જિંદગી બદલાઈ ચુકી હતી. આ વિચારો કરતો કરતો બેઠો હતો અને અચાનક તે ભાઈ ફરીથી ટ્રેનમાં દેખાયા અને તે યુવાનની બાજુમાં જ આવીને બેઠા. યુવાનના આશ્ચર્યનો પાર નાં રહ્યો. થોડીવાર તો તેની સામે જ જોઈ રહ્યો અને પછી તરત જ તે ભાઈને ભેટી પડ્યો, તેની આંખોમાં આજે હરખના આંસુ હતા અને મોઢામાંથી બસ એક જ વાક્ય નીકળી રહ્યું હતું કે “તમારો ખુબ ખુબ આભાર.. આજે જે કઈ છું તે તમારા કારણે છું.” પછી તેના જીવનમાં આવેલો બદલાવ અને પ્રગતિ વિષે માંડીને તે ભાઈને વાત કરી અને તે ભાઈ ચુપચાપ તેની સામે જોઇને શાંતિથી બેઠા હતા.
તે ભાઈ એકદમ શાંત જ હતા. હજુ પણ કશુય બોલી નહોતા રહ્યા એટલામાં જ તેમનું સ્ટેશન આવ્યું અને ટ્રેઈનમાંથી ઉતરતી વખતે ફરીવાર એ જ વાક્ય બોલ્યા, “ભગવાન ભલું કરે... હિંમતે મર્દા તો મદદે ખુદા. જે થાય તે બધું સારા માટે જ થાય.”
આ સાંભળીને તે યુવાનને તે ભાઈ વિષે વધુ જાણવાની જીજ્ઞાસા જાગી અને તેની જોડે જ તે પણ સ્ટેશન પર ઉતરી ગયો. સ્ટેશન પર ઉતરીને બહાર નીકળતા હતા ત્યાં જ ૨ આદમી આવ્યા અને તે ભાઈને જબરદસ્તી બાઈક પર બેસાડવા લાગ્યા. આ જોઇને પેલો યુવાન દોડીને તેની પાસે પહોચી ગયો અને તેમને આવું કરવાનું કારણ પૂછ્યું. તો એ ભાઈએ જવાબ આપ્યો, “અરે આ મારા મોટાભાઈ છે. થોડા પાગલ જેવા છે અને બહેરા છે એટલે કશું સાંભળી નથી શકતા. ફક્ત ૨ વાક્ય બોલ્યા કરે, “ભગવાન ભલું કરે... હિંમતે મર્દા તો મદદે ખુદા. જે થાય તે બધું સારા માટે જ થાય.” આ સિવાય કશું બોલતા પણ નથી. રોજ ઘરમાંથી ભાગી જાય છે અને આ સ્ટેશન પર જ ઉતરી જાય છે એટલે અમારે રોજે તેને અહિયાંથી લઇ જવા પડે છે.”
તે યુવાન તો આ સાંભળીને સ્તબ્ધ થઇ ગયો. બાઈકની ગરરાટીનો અવાજ સંભળાયો અને યુવાન આકાશમાં જોઇને બોલ્યો, “ભગવાન ભલું કરે.”

સમાપ્તિ...

મંગળવાર, 11 એપ્રિલ, 2017

મીઠી ખીર...

છેલ્લા ૫.૫ મહિનાથી ચાલી રહેલી ડિવોર્સની પ્રોસેસમાં વિસ્મય અને વલ્લરી ભેગા થવા માટે રાજી નહોતા. કોઈ પણ સંજોગોમાં બસ તેમને અલગ થઇ જવું હતું. ૨ વર્ષનું પ્રેમલગ્ન આખરે એક દુઃખદ અંત તરફ જઈ રહ્યું હતું. રોજબરોજના સતત થતા ઝઘડાઓ, એડજસ્ટ કરવાની મથામણથી આખરે કંટાળીને બંનેએ ડિવોર્સની અરજી ફાઈલ કરી દીધી હતી અને તેમ છતાં કોર્ટ દ્વારા ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો કે હજુય કદાચ બંને વચ્ચે મનમેળ થઇ જાય.
બંનેના દોસ્તો આવીને ખુબ સમજાવી ચુક્યા હતા, ખુબ બધા કલાકો આ સબંધને સાચવવાની ચર્ચાઓમાં ખર્ચાયા હતા પણ તેમ છતાંય વિસ્મય અને વલ્લરી પોતાની વાત પર અડગ હતા કે તેઓ હવે ફરીથી ભેગા થવા માંગતા નથી.
ડિવોર્સ ફાઈલની એક આખી કોપી ફાઈલ અને બંને વચ્ચેની સમજૂતી અને ભરણપોષણ અંગેની વિગતો વ્યવસ્થિત કરીને વકીલે વિસ્મયને આપી હતી અને સરખી રીતે જોઈ સમજી વિચારીને વાંચીને સહી કરવાનો નિર્ણય લેવા માટે કહ્યું હતું. વકીલે જાણી જોઈને બંને વચ્ચે એક જ ફાઈલ આપી હતી જેથી કરીને હજુય કદાચ એક નિર્ણય બદલી શકાય તો બે જિંદગી બગડતી બચી શકે. વલ્લરીએ પોતાનો એકેય સમાન હજુ વિસ્મયના ઘરેથી લીધો નહોતો. પરંતુ આ ફાઈલની વિગતોની ચર્ચા કરવા માટે વિસ્મયે તેને ઘરે બોલાવી હતી ત્યારે બધું જોડે જ લેતી આવશે એવું નક્કી કર્યું હતું.
ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું, ઘરનો અસબાબ જાણે કે વેરણછેરણ વિખરાયેલો હતો. ધીમો ધીમો પંખો ફરી રહ્યો હતો અને આરામખુરશીમાં વિસ્મય પંખા સામે જોઈને કશાક વિચારોમાં ગળાડૂબ ડૂબેલો હતો. વલ્લરીના ગયા પછી પણ વિસ્મયે કોઈ કામવાળા કે રસોયા રાખ્યા નહોતા કારણ કે ઘરે આવ્યા પછીનો સમય પણ કામ કરવામાં જ જતો રહે તે માટે થઈને વિસ્મય જાતે જ રસોઈ કરતો અને જમીને કોઈ બુક વાંચીને સુઈ જતો. ખુલ્લી બારીમાંથી ધીમો ધીમો આવતો પવન વલ્લરીની ગાડીનો અવાજ પણ જોડે લઈને આવ્યો હતો પરંતુ વિસ્મય વિચારોમાં મગ્ન હોવાના કારણે સાંભળી ના શક્યો. વલ્લરી ઘરમાં પ્રવેશતા જ જાણે ઘરમાં કંઈક સજીવન થયું હોય એવું વિસ્મયને મહેસુસ થયું કારણ કે કરોડો રૂપિયાનો બંગલો પણ એક સ્ત્રી વિના તો ફક્ત "મકાન" જ હોય છે, તેને “ઘર” તો ઘરની સ્ત્રી જ બનાવતી હોય છે.
વિસ્મય !! વિસ્મય !! વલ્લરીએ વિસ્મયને દૂરથી બોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કોઈક અલગ જ દુનિયામાં ખોવાયેલો હોય એવું લાગ્યું. આથી વલ્લરી તેની નજીક ગઈ અને જોયું તો વિસ્મયના હાથમાં વલ્લરીએ લખેલા પ્રેમપત્રો, લિપસ્ટિકથી હોઠના નિશાન બનાવેલા રૂમાલ, ગ્રીટિંગ કાર્ડ્સનો થપ્પો હતો અને વિસ્મયની આંખમાં એ પ્રેમને ધોઈને લઇ જતા આંસુઓનો ધોધ. બાજુના સોફા પર જ વલ્લરીએ ગિફ્ટ કરેલા બોક્સ અને તેના રેપર પણ વિસ્મયે સાચવી રાખેલા હતા જે વલ્લરીએ આજે છેક જોયા હતા. આ બધું જોઈને વલ્લરી પણ થોડી ઢીલી તો પડી ગઈ હતી પરંતુ પોતાની જાત પર કાબુ રાખીને વિસ્મયના ખભા પર હાથ મૂકીને બોલી, "વિસ્મય !! શું છે આ બધું ? ક્યાં ખોવાઈ ગયો ? હું ક્યારની આવી છું અને તારું ધ્યાન પણ નથી ?"
વિસ્મય અચાનક જ જાણે તંદ્રામાંથી ઝબકીને બધું સમેટવા લાગ્યો અને વલ્લરી સામેના સોફામાં બેસી ગઈ.
"લાવ ફાઈલ અને બધા ડોક્યુમેન્ટ્સ, એટલે બધું ચેક કરીને પછી હું જાવ અહિયાથી.", વલ્લરી થોડા ઉતાવળા શબ્દોમાં બોલી ગઈ.
"અરે પણ થોડીવાર શ્વાસ તો લે, બેસ થોડી વાર હું તારા માટે પાણી લઇ આવું છું.", વિસ્મય આજે થોડો શાંતિથી જવાબ આપી રહ્યો હતો.
બસ હવે ૧૫ દિવસમાં તો આમ પણ ડિવોર્સ થઇ જશે તો પછી ઝઘડો કરીને કોઈ મતલબ નથી એવું વિચારીને વલ્લરીએ પણ થોડી શાંતિથી જવાબ આપ્યો, "સારું ! લે બેઠી છું, તું કેમ છે ? કેવું ચાલે તારે ? જમવાનું શું કરે છે ? કોઈ મહારાજ રાખ્યા છે ?"
"ના ના !! કોઈ મહારાજ નથી. હું જાતે જ રસોઈ બનવું છું અને એકલો એકલો જમું છું રોજે. પણ ટેવ પડી ગઈ છે હવે તો. અને કામ તો બસ ચાલ્યા કરે છે, કશું નવું નથી લાઈફમાં.", વિસ્મય પણ એક દોસ્તની સામે વાત કરી રહ્યો હોય એ રીતે બોલ્યો.
"હેય વલ્લરી !! તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો એક વાત કહું ? તું આજ પછી તો આમ પણ આ ઘરમાં શાયદ નથી જ આવવાની તો પછી જમીને જજે ને ! છેલ્લી વાર મારી સાથે જમી લે ને, જો તને કોઈ તકલીફ ના હોય તો જ. કોઈ જબરદસ્તી નથી. હું તને ભાવતી ખીર બનાવીશ તારા માટે.", વિસ્મય થોડો આજીજીના સુરમાં બોલ્યો.
વલ્લરી થોડી સેકન્ડ માટે ભૂતકાળમાં ખોવાઈ ગઈ કે જે માણસ ચા બનાવતા પણ નહોતો જાણતો એ આજે મને રસોઈ કરીને જમાડશે અને એ પણ ખીર !! વાહ !!
"સારું હું આજે અહીંયા જમી લઈશ બસ, સારું કર્યું તે જ કહી દીધું નહીંતર હું આજ સાંજે તને આમંત્રણ આપવાની જ હતી કે છેલ્લી વાર ક્યાંક હોટેલમાં અથવા તો મારા ઘરે જોડે બેસીને જમીએ. પણ તે કહી જ દીધું છે તો હવે અહીંયા જ જમીશું.", વલ્લરીએ મંદસ્મિત સાથે જ જવાબ આપ્યો.
"થેંક્યુ વલ્લરી ! થેન્ક્સ ફોર એક્સેપટિંગ માય ઇન્વિટેશન", વિસ્મય થોડો હરખાઈને બોલ્યો.
"જાવ નવા મહારાજ, મારા માટે ખીર બનાવો." વલ્લરીએ વાતાવરણને હળવું બનાવવા વિસ્મયની ટાંગ ખીચાઈ કરતી મજાક કરી.
વિસ્મય ડિવોર્સની ફાઈલ અને ડોક્યુમેન્ટ્સ વલ્લરીને આપીને રસોડામાં ગયો અને વલ્લરીએ તે ફાઈલની બાજુમાં ત્યાં પડેલા તેણે લખેલા પ્રેમપત્રો ઉપાડીને જોયા, વાંચ્યા અને તેણે વિસ્મયને આપેલી ગિફ્ટના બોક્સ અને રેપર પણ જોયા અને લાગણીનો એક ધોધ જાણે એકસામટો દરવાજા તોડીને બહાર નીકળ્યો હોય એમ વલ્લરીની આંખમાંથી નીકળી ગયો. એક હાથમાં ફાઈલ અને બીજા હાથમાં એના પ્રેમનો દરિયો જે બંનેમાંથી આજે એ દરિયો છૂટી જવાનો હતો. તે વિચારોમાં ખોવાઈ ગઈ હતી એટલામાં જ રસોડામાંથી અવાજ આવ્યો, "વલ્લરી ! રસોડામાં જાયફળ ક્યાં રાખતી તું ? મેં ક્યારેય ખીર બનાવી નથી એટલે ખબર નથી કે ક્યાં છે"
ફટાફટ આંખ સાફ કરીને વલ્લરી દોડતી રસોડામાં ગઈ અને જોયું તો દૂધ અને ચોખા ઉકાળવા મૂકીને વિસ્મય બટેટાની સૂકીભાજી બનાવી રહ્યો હતો. "પેલા છેલ્લા ખાનાના બીજા ડબ્બામાં જાયફળ પડેલું હશે ત્યાંથી લઇ લે, આખરે રસોડાની માલિકે રસોડામાં આવવું જ પડ્યું કેમ કે નવા મહારાજને ખબર નથી કે વસ્તુઓ ક્યાં પડી છે ?", વલ્લરી બંને હાથ કમર પર રાખીને બડાઈ મારતી હોય એમ બોલી.
"હા ! કારણ કે રસોડામાં પોતાના પ્રેમાળ હાથથી રસોઈ બનાવતા તો ઘરની નારી જ શોભે, એ રસોડું કદાચ આજે પણ એની માલિકની રાહ જોઈ રહ્યું છે પરંતુ હવે એને કદાચ ક્યારેય એની માલિક સાથે મુલાકાત નહિ થાય.", વિસ્મય જાણે આ સબંધને હવે ફરીથી બચાવવા નબળો પ્રયાસ કરી રહ્યો હોય એમ બોલ્યો.
વલ્લરી ઘડીક કશુંય બોલી ના શકી પરંતુ એની આંખોએ દરેક શબ્દો બહાર કાઢી નાખ્યા. વલ્લરી ફટાફટ દોડતી મેઈન રૂમમાં ગઈ જ્યા પોતાની ડિવોર્સની ફાઈલ પડી હતી એ લઈને રસોડામાં આવી અને એક એક ડોક્યુમેન્ટ્સ ફાડી ફાડીને ખીર ઉકળતી હતી ત્યાં તપેલીની નીચે ગેસ પર સળગાવતી ગઈ. બંને વચ્ચેનો ઝઘડો અને ગેરસમજણ જાણે તે ગેસ પર સળગી રહી હતી અને ખીર બની રહી હતી. વિસ્મય આ બધું જોઈ રહ્યો પણ એક શબ્દ પણ ના બોલી શક્યો. આખરે એ પણ અંદરથી તો ખુશ જ થયો હતો જે સબંધને બચાવવા માટે તેના દોસ્તોએ આટલી મહેનત કરી હતી અને તેમ છતાંય અટક્યો નહોતો એ સબંધ આજે ફક્ત એક નાની એવી ઘટનામાં સચવાઈ ગયો. થોડી જ વારમાં વલ્લરીએ બાકીની બધી રસોઈ બનાવી નાખી. તે સમય દરમિયાન વિસ્મય રસોડામાં તેની બાજુમાં ઉભો ઉભો બસ વલ્લરીને પ્રેમભરી નજરે નિહાળતો જ રહ્યો.
આખરે વલ્લરીએ તપેલીમાંથી એક વાટકો ભરીને ખીર કાઢી અને એક ચમચી પોતાના હાથ વડે વિસ્મયના મોઢામાં મૂકી.
"હમમમ !! ખુબ મીઠી ખીર છે."

સમાપ્તિ...

બુધવાર, 22 માર્ચ, 2017

ઘણી જીંદગી !!!

શહેરની બાજુમાં આવેલા હિલસ્ટેશન પર બનાવેલા બગીચા પાસે વિહાન પોતાના પાળીતા કુતરાને લઈને આવ્યો હતો. કૂતરો આસપાસ સૂંઘી સૂંઘીને આમ તેમ ચક્કર લગાવી રહ્યો હતો અને વિહાન બગીચાના ખૂણે રહેલી બેન્ચ પર બેસીને શહેરની ઝલક નિહાળી રહ્યો હતો. સંધ્યા સમય હોવાના કારણે એકદમ ઠંડો પવન આવી રહ્યો હતો જે વિહાનની આંખના ખૂણા પાસે આવેલા આંસુઓને ઉડાડીને લઇ જઈ રહ્યો રહ્યો હતો. વિચારોના વંટોળમાં આજે વિહાન આમથી તેમ ફંગોળાઈ રહ્યો હતો. હૃદય હૈયાફાટ રુદન કરી રહ્યું હતું પરંતુ એ રુદન આજે અંદર જાણે કોઈ પથ્થરની માફક ધરબાઈ ગયું હતું. શું કરવું કશી જ ખબર નહોતી પડતી.

એટલામાં જ વિહાનના ખભા પર કોઈએ હાથ મુક્યો અને વિહાન ચોંક્યો અને બાજુમાં જોયું તો વ્રીન્દા ઉભી હતી. એની રોજની આદત મુજબ આજે પણ એકદમ મેચિંગના બ્લુ-યેલો કોમ્બિનેશનવાળા ચૂડીદાર ડ્રેસમાં જ હતી. કાનમાં રહેલા લાંબા રજવાડી ઝુમખા, કપાળ પર નાની બિંદી, એક હાથમાં બ્રેસલેટ અને બીજા હાથમાં બાંધેલો લાલ કલરનો દોરો, એની આંગળીમાં વિહાનની પહેરાવેલી સગાઇની રિંગ અને મીડીયમ હિલના સેન્ડલ, મીડીયમ શરીરનો બાંધો અને નમણો નાક-નકશો જોઈને જ વિહાન તેના પ્રેમમાં પડી ચુક્યો હતો. ઘણા બધા ફેમિલી પ્રોબ્લેમ ના અંતે બંનેની સગાઇ નક્કી થઇ હતી અને લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. બીજા જ દિવસે એ બંનેના લગ્ન થવાના હતા અને આગળના દિવસે વિહાન અને વ્રીન્દા અને તેનો પાળીતો કૂતરો ત્રણેય અહીંયા હિલ સ્ટેશન પર સંધ્યાસમય પસાર કરી રહયા હતા.

વ્રીન્દાએ બાજુમાં બેસીને વિહાનનું બાવડું પકડ્યું અને ખભા પર માથું ઢાળીને બેસી ગઈ. વિહાનની હથેળીમાં વ્રીન્દા પોતાનો હાથ મૂકીને એ આંગળીઓ વચ્ચે પોતાની આંગળીઓ ફિટ કરી રહી હતી.
વિહાન નખરા કરતો બોલ્યો, "મેં તો તને જોઈ છે ત્યારથી તું મારી જિંદગીમાં ફિટ થઇ ગઈ છે હજુ તારે આંગળી ફિટ કરવાની બાકી રહી ગઈ છે ?"
વ્રીન્દા વિહાનની કમરમાં ચીટીયો ભરતા બોલી, "કેમ ? તને કઈ વાંધો છે ?"
વિહાન એમ જ બિન્દાસ્ત ખભા ઉછાળીને ડચકા બોલાવતો બોલી ઉઠ્યો, "હા વાંધો છે. પુરેપુરો વાંધો છે."
વ્રીન્દા ટટ્ટાર બેસીને પૂછવા લાગી, "અચ્છા જી !! હવે તમારો હાથ પકડીએ એમાં પણ તમને વાંધો ?"
વિહાન ઘણું વિચારીને પછી બોલ્યો, "જો તું મારો હાથ પકડી રાખીશ તો હું તારા માટે ગિફ્ટ લેવા કેવી રીતે જઈ શકીશ ?
જો તું મારો હાથ પકડીને રોકી રાખીશ તો ભગવાન પાસે તારી મુસ્કાન કઈ રીતે માંગી શકીશ ?
જો તું મારો હાથ પકડીને રાખીશ તો તારા જોયેલા સપનાઓ પુરા કરવા માટે મહેનત કઈ રીતે કરી શકીશ ?
જો તું આમ ને આમ જ હાથ પકડીને બેઠી રહીશ તો તને મારા હાથની ભાવતી મસાલા ખીચડી અને ખીર કઈ રીતે બનાવીશ ?
જો તું મારો હાથ પકડી રાખીશ તો તારા ગાલ પર અને માથા પર વ્હાલથી હાથ કેવી રીતે ફેરવી શકીશ ?
"બસ બસ બસ સાહેબ, તમારું લિસ્ટ ઘણુંય લાંબુ છે. એ પહેલા હું જ તમારો હાથ મૂકી દઉં છું" , વ્રીન્દા છણકો કરતા બોલી.

"અને હા ! બાય ઘી વે મસાલા ખીચડી અને ખીર કરતા તો વધુ હું તને ખાવાનું પસંદ કરીશ.", પોતાના હોઠ પર જીભ ફેરવતા ફેરવતા વ્રીન્દા વિહાન સામે આંખ મારતા બોલી.
"અચ્છા જી !! તો અબ બાત હમે ખાને તક કી આ ગઈ હે ?"
"હાંજી ! મેને તો તય કર લિયા હે કી કલ શાદી હોને દો ઉતની હી દેર હે, ફિર તો પુરી ખીર મેં હી ખાનેવાલી હું", વ્રીન્દા તોફાની અંદાજમાં બોલી રહી હતી અને વિહાન એની સામે હસતો હસતો શાંતિથી ઉભો રહીને એની અદાઓ જોઈ રહ્યો હતો અને અચાનક પાછો ગમગીન થઇ ગયો.

"અરે અરે !! શું થયું મારી મસાલા ખીચડીને ?", વ્રીન્દા હજુય પોતાની મસ્તીમાં જ બોલી રહી હતી.
વિહાન આખરે વ્રીન્દાની સામે નીચે બેઠો અને વ્રીન્દાના ખોળામાં માથું રાખીને થોડીવાર શાંત થઇ ગયો અને વ્રીન્દા પણ જાણે બધું જ સમજી ગઈ હોય એમ એના માથા પર હાથ ફેરવતી ચુપચાપ બેઠી રહી.

"વિન્દુ... તને ખબર છે હું તને કેટલો ચાહું છું એ ? તારી લાઈફની એક એક મોમેન્ટ મારે તને જીવાડવી છે, તારા હરેક સપના પુરા કરવા છે અને ખાસ કરીને આખી દુનિયા ફરવાનું એ સપનું, રાત્રે ખુલ્લા આકાશમાં અગાશી પર બેસીને તારાઓ જોવાની ખ્વાહિશ, ધોધમાર વરસતા વરસાદમાં પલળતા પલળતા લોન્ગ ડ્ર્રાઇવ પર જવાની ખ્વાઈશ અને તારું એર હોસ્ટેસ બનવાનું સપનું અને બીજું તો ઘણુંય લાંબુ લિસ્ટ છે તારા સપનાઓનું મારી પાસે. તારી સાથે ગાળેલો એ સમય ફરીવાર વિતાવવો છે મારે પરંતુ એ પરિસ્થિતિ હવે ફરીવાર ઉભી થશે કે નહિ એ તો હવે કેમ ખબર ? તારી દરેક ખુશીમાં અને દરેક દુઃખમાં તારી સાથે રહેવું છે. પણ મારી એક ભૂલના કારણે એ બધું જ જાણે એક સપનું જ રહી ગયું. હું તારા પ્રેમને લાયક નથી વિન્દુ, નથી હું તારા પ્રેમને લાયક.", આટલું બોલતા જ વિહાન વ્રીન્દાના ખોળામાં માથું રાખીને રડવા લાગ્યો.

વ્રીન્દા કશુંય બોલ્યા વગર ચુપચાપ નીચે નમી અને વિહાનનો ચેહરો ઊંચો કરીને કપાળ ચૂમીને વિહાનની આંખો લુછવા લાગી. વિહાનની આંખોમાં જોઈને બોલી, "તારી એ ભૂલમાં હું પણ સામેલ જ હતી ને વિહાન, તારા એકના કારણે નહિ પણ બંનેના કારણે જ આ થયું છે. પણ તું એવું ના વિચારીશ કે તારો પ્રેમ ખોટો સાબિત થયો, જો હજુ પણ હું તો તારી સાથે જ છું ને ? અહીંયા પણ... હું તને મૂકીને કશેય નહિ જાવ, તું ચિંતા ના કરીશ, આપણે તો હજુ ઘણું બધું જોડે જીવવાનું છે."

વિહાન આ છેલ્લું વાક્ય સાંભળીને થોડો ખચકાયો, "હા હજુ તો આપણે ઘણું બધું જોડે જીવવાનું છે."

વ્રીન્દા અચાનક ઉભી થઇ અને કહ્યું, "ચાલ હવે બાઈક સ્ટાર્ટ કર અને મને ઘરે મૂકી જા. આવતી કાલે તારે જાન લઈને મને પરણવા આવવાનું છે. મુજસે બચ કે જાઓગે કહા મેરે બંદર."
"હા મારી માં, કાલથી તો તું જ મારી અંબેમાં ને તું જ મારી મહાકાળી, જય હો મૈયા કી." , વિહાન ફ્રેશ થતા બોલ્યો.
અને બંને બાઈક સ્ટાર્ટ કરીને નીકળી ગયા.

ઘર પાસે પહોંચીને બાઈક ઉભી રાખી અને બંને સાઈડમાં ઉભા રહી ગયા અને પોતાના સગા વ્હાલાઓને રડતા જોઈ રહયા હતા, ઘરમાં જાણે આભ તૂટી પડ્યું હતું અને એ બધા રડતા લોકોની વચ્ચે ઠાઠડીમાં હતા ૨ નિષ્પ્રાણ શરીર.
આખરે ઠાઠડી ઊંચકાણી અને નીકળી સ્મશાન તરફ અને આખા પરિવારનો એ કકળાટ જોઈને વ્રીન્દા પણ આખરે વિહાનને વળગીને રડી પડી.

એક ભૂલ વિહાન એક ભૂલ.. કાશ !! મેં તને આજે સવારે સ્પીડમાં બાઈક ચાલવાની ના કહી હોત, અને તું પણ મારી એ ઈચ્છા પુરી કરવાની હઠને બાજુમાં મૂકી દીધી હોત તો આજે આ આપણા નિષ્પ્રાણ શરીર આમ સ્મશાન તરફ ના જઈ રહયા હોત.

વિહાન વ્રીન્દાના માથે હાથ ફેરવતા બોલ્યો, "આમ જો તું તો કાલનું કહેતી હતી, આ તો આજે જ જાન નીકળી આપણી, ચાલ આપણે જોડે રહેવાનો સમય આવી ગયો. તારા સપનાઓને જીવવાનો સમય આવી ગયો."

પરિવારનો એ પાળીતો કૂતરો બંનેની બાજુમાં રહીને બધું જોઈ રહ્યો હતો.

હા ! વિહાન અને વ્રીન્દા પોતાની બાકી રહી ગયેલી "ઘણી જિંદગી" જીવવા જઈ રહયા હતા.

સમાપ્તિ...

ગુરુવાર, 29 ડિસેમ્બર, 2016

અધૂરું સ્વપ્ન / ભાગ - ૩

ઉર્વીલ તું મારી વાત કેમ નથી સમજતો ? હું કંઇક કહું અને તું કશુક બીજું જ સમજે છે કાયમ. તારી તકલીફ શું છે ?”, અંબર આજ સવારની ઉર્વીલ જોડે ફોન પર ઝઘડો કરી રહી હતી.
“તું નથી સમજતી કે હું શું કહું છું. નાની નાની વાતને આટલો મોટો ઈશ્યુ કેમ બનાવે છે ?”, ઉર્વીલ પણ ગુસ્સે થઈને બોલી રહ્યો હતો.

બે લોકો સાથે રહેતા હોય ત્યાં આવી લડાઈઓ સામાન્ય હોય છે. ખાસ કરીને પતિ-પત્ની વચ્ચેની તકરારો ચાલતી રહેતી હોય છે. રિસામણા મનામણા થયા કરે અને સબંધ આગળ ચાલ્યા કરે. અંબરની જોડે સગાઇ થયા પછી ઉર્વીલ ખુશ રહેવા લાગ્યો હતો. કોઈ એની લાઈફમાં હતું કે જે તેની સંભાળ લેતું હતું, કોઈ હતું જે તેને સાચવી રહ્યું હતું. પરંતુ ઉર્વીલ સગાઇ પછી જાણે દિવસે ને દિવસે સીરીયસ થતો જતો હતો. જાણે કે કોઈ મોટી જવાબદારી તેના માથે આવી ગઈ હોય. રોજે કોઈને કોઈ બાબતમાં બંને વચ્ચેના વિચારોનો મેળ નહોતો. એક ઉત્તર અને બીજો દક્ષીણ. કોઈ એવી સિંગલ વાત નહોતી કે જેમાં બંનેની પસંદ કે વિચાર મળતો હોય. કોઈ એવો સામાન્ય ટોપિક નહોતો કે જેના વિષે બંને લોકો વાત કરી શકે. બંને વચ્ચે ફોન અને મેસેજથી વાતો તો રોજે ચાલ્યા કરતી પરંતુ ફક્ત ફોર્માલીટી પુરતી જ. કશું એવું ખાસ ક્યારેય બન્યું નહોતું. કોણ જાણે કેમ બંને વચ્ચેનું બોન્ડીંગ બની નહોતું શકતું. કદાચ એટલે કે બંને એકબીજા માટે સર્જાયા નહોતા. ઉર્વીલ ખુબ જ મહેનત કરતો આ સબંધને એક સારું રૂપ આપવાની, તેને સાચવવાની અને પ્રેમથી આ સબંધને જાળવવાની પરંતુ ઉર્વીલના ગમે તેટલા કરેલા એફર્ટ્સનો રિસ્પોન્સ સાવ ઠંડો જ આવતો. અંબર જાણે કે ઉર્વીલને ઇગ્નોર કરતી હોય એવું સતત ઉર્વીલ મહેસુસ કરતો. અંબરને જાણે કશી પડી જ નહોતી કે ઉર્વીલ શું કરે છે તેના માટે, આથી ઉર્વીલને સતત એવું મહેસુસ થયા કરતુ કે અંબર તેની પત્ની તરીકે યોગ્ય નથી. તેનો સ્વભાવ અને મારા સ્વભાવ પ્રમાણે તો અમે ક્યારેય ખુશ નહિ જ રહી શકીએ. હમેશા કશુકને કશુક ખૂટતું હોય એવી લાગણી ઉર્વીલ અનુભવતો, પરંતુ કોઈને ક્યારેય કશું કહેતો નહિ. બીજી તરફ, અંબરના મનમાં કશુક બીજું જ રમતું હતું. પોતાના પિતાએ નક્કી કર્યા મુજબ તેણે હા પાડી તો દીધી હતી પરંતુ હવે આગળ શું કરશે અને શું થશે તેની જાણ તો ખુદ અંબરને પણ નહોતી. તે બસ ભગવાન પર બધું છોડી રહી હતી.
આ ગોઠવાયેલા લગ્નોમાં હમેશા બે પાત્રો વચ્ચે એક બોન્ડીંગ બની જવું જરૂરી હોય છે જે ખુબ ઓછા લોકોમાં બનતું જોવા મળે છે. બે લોકો વચ્ચેનું કોમ્યુનીકેશન સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જો એ કોમ્યુનીકેશનમાં ક્યારેય કોઈ ખામી રહી જાય તો એ સબંધ એટલો મજબુત નથી રહી શકતો જેટલો મજબુત બનવો જોવે કે હોવો જોઈએ. સામેવાળા પાત્રની ખૂબીઓ અને ખામીઓ જાણીને તેને આસાનીથી અપનાવીને નાં રહી શકે તે સબંધ ક્યારેય માણસને સુખી બનાવી શકતો નથી. તે ખામીઓ ખૂબીઓ ઉપરાંત પણ જે વ્યક્તિ જોડે રહેવાનું મન થાય તો એ માણસનો પ્રેમ બની શકે. બાકી તો સગાઇ બાદના થયેલા પ્રેમમાં હમેશા કશુક ને કશુક ખૂટતું જ મહેસુસ થતું હોય છે જે અત્યારે ઉર્વીલ મહેસુસ કરી રહ્યો હતો. તે તો સાવ ખાલી જ હતો. અંબર જાણે બસ એક હાડમાસનું બનેલું પુતળું હોય એમ સવાલોના જવાબ આપ્યા કરતી. એ સિવાય બીજું કશુય તે સામેથી નાં બોલતી.

==***==***==

એક બીઝનેસ મીટીંગ માટે આજે ઉર્વીલને બેંગ્લોરથી મુંબઈ આવવું પડ્યું હતું. ફક્ત એક દિવસની ટ્રીપ હતી જે સવારે આવવાનું હતું અને બીજા દિવસે સવારે પાછુ બેંગ્લોર જવા નીકળી જવાનું હતું એટલે ઉર્વીલે અંબરને જાણ નહોતી કરી કારણ કે તે પોતે નહોતો જાણતો કે તેની પાસે અંબરને મળવાનો સમય રહેશે કે નહિ રહે અને જો કદાચ તે અંબરને મળવા નહિ જઈ શકે તો ફરીથી બંને વચ્ચે ઝઘડો થશે એ ડરથી ઉર્વીલે અંબરને જાણકારી નહોતી આપી.
૧૦ માળની ઉંચી બિલ્ડીંગની લીફ્ટની રાહે ઉર્વીલ ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભો હતો અને લીફ્ટ નીચે ઉતરી અને અચાનક લીફ્ટનો દરવાજો ખુલતાની સાથે જ એક યુવતી હાથમાં કોફીનો મગ લઈને ઝડપથી ચાલવા જતી હતી એટલામાં જ ઉર્વીલ અંદર દાખલ થવા ગયો અને બંનેનું ધ્યાન હટ્યું અને બંને અથડાયા. તે યુવતીના હાથમાં રહેલો કોફીનો મગ ઉર્વીલના શર્ટ પર ઢોળાયો અને ઉર્વીલના કપડાએ કોફીનો સ્વાદ લિજ્જતથી માણ્યો. તે યુવતીના બીજા હાથમાં રહેલા ડોક્યુમેન્ટની ફાઈલ પણ નીચે પડી ગઈ હતી તેથી તે યુવતી નીચે જોઇને તે ડોક્યુમેન્ટ્સ ભેગા કરી રહી હતી પરંતુ તેનું ધ્યાન નહોતું કે તેના હાથમાં રહેલી કોફીના કારણે તે જેની સાથે અથડાઈ છે તેનો શર્ટ ખરાબ થયો છે. અચાનક ઉભી થતાની સાથે જ તેની નજર ગઈ અને ગીલ્ટ મહેસુસ કરવા લાગી.
“આઈ એમ સો સોરી, વેરી વેરી સોરી, મારું ધ્યાન નહોતું, હું થોડી ઉતાવળમાં હતી.”, તે યુવતી આજીજીના સુરમાં ઉર્વીલને કહી રહી હતી.

એકદમ પાતળી અને અંદાજે ૬ ફૂટ જેટલી ઉંચી યુવતી, એકદમ સિલ્કી વાળ, બ્લેક કલરનું ફોર્મલ પેન્ટ અને વ્હાઈટ કલરનો શર્ટ અને તેના પર પહેરેલું બ્લેઝર એક પ્રોફેશનાલિઝમની ઝાંખી કરાવતું હતું. જમણા કાંડા પર બાંધેલી ઘડિયાળ અને હાથની પહેલી આંગળીમાં એક સાવ સામાન્ય લાગે એવી વીટી, સિવાય બીજી કોઈ પણ વધારાની એસેસરીઝ એના શરીર પર દેખાતી નહોતી. દેખાવમાં તે યુવતી એકદમ એવરેજ હતી, કશું ખાસ વખાણવા લાયક સૌન્દર્ય નહોતું પરંતુ તો પણ તેની ડ્રેસિંગ સેન્સના કારણે તે એકદમ સ્વીટ લાગી રહી હતી.

“ઇટ્સ ઓકે. નો પ્રોબ્લેમ. ભૂલ તમારી નહિ, ભૂલ કિસ્મતની હતી કે જેણે બંનેને એટલા જલ્દીવાળા કામ સોપ્યા જેના ધ્યાનમાં આપણી આંખોનું ધ્યાન ભટક્યું અને અથડાઈ ગયા.”
, ઉર્વીલ તેને એકદમ શાંતિથી જવાબ આપી રહ્યો હતો.
“લુક મિસ્ટર, મારી ભૂલ છે એટલે તમને સોરી કહ્યું એટલે તમે વાતોને ગોળ ગોળ ઘુમાવીને વાતો વધારવાની કોશિશ નાં કરો.”, પેલી યુવતી થોડા ગુસ્સામાં આવીને બોલી.
“ચીલ્લ, વ્હાય આર યુ સો એન્ગ્રી ?”, ઉર્વીલ હજુ પણ શાંતીથી વાત કરી રહ્યો હતો.
“ઉફ્ફ ! બધા સવાલનો જવાબ દેવો હું જરૂરી નથી સમજતી. બાય એન્ડ સોરી”, તે યુવતી ત્યાંથી ગુસ્સો કરતી નીકળી ગઈ અને ઉર્વીલ લીફ્ટના બદલે વોશરૂમ તરફ ગયો.

ઉર્વીલને પોતાનું કામ પતાવતા ઓલમોસ્ટ સાંજ પડી જ ગઈ હતી એટલે ત્યાં ફ્રેન્ડની બાઈક લઈને ઉતાવળે ઘરે જઈ રહ્યો હતો. ઘરથી થોડે જ દુર હશે ત્યાં એક ટર્નીંગ પોઈન્ટ પર તેની બાઈક એક એકટીવા જોડે અથડાઈ અને ઉર્વીલ નીચે પડ્યો. ઉભા થઈને જોયું તો તેને ઓળખતા વાર નાં લાગી. આ એ જ યુવતી હતી જેની જોડે સવારે અથડાયો હતો. તે તરત જ બાઈક ઉભી કરીને પોતે ઉભો થયો અને તે યુવતીને મદદ કરવા માટે એકટીવા ઉંચી કરીને હાથ લંબાવ્યો.

તે યુવતી ઉર્વીલના હાથના ટેકાને બદલે પોતે જાતે ઉભા થવા ગઈ અને એકાએક તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. તેની કોણી છોલાઈ ગઈ હતી અને ત્યાંથી લોહી નીકળી રહ્યું હતું અને કદાચ તેને પગમાં મુઢમાર વાગ્યો હતો તેથી તે ઉભી નહોતી થઇ શકતી. આખરે ઉર્વીલે તેની વાતોને ધ્યાનમાં લીધા વગર જ બાવડામાંથી પકડી અને બંને હાથ ઉભી કરી પરંતુ તે હવે ઉભી નહોતી રહી શકતી અને કોણી પરથી લોહી બંધ નહોતું થતું. ઉર્વીલે તરત જ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને હાથ પર બાંધી દીધો અને કહ્યું કે “મેડમ ! તમને ચાલવામાં તકલીફ થઇ રહી છે અને હાથનું લોહી બંધ નથી થતું તો ચાલો મારા ઘરે ત્યાં મારી માં તમને પાટો બાંધી આપશે. ડેટોલથી સાફ કરીને પાટો બાંધી દેશો એટલે સારું થઇ જશે”
“નાં હું જાતે જતી રહીશ ઘરે, તમારે ખોટી તકલીફ લેવાની જરૂર નથી.”, થોડા એટીટ્યુડ સાથે તે યુવતી બોલી.
“અરે સમજો તમે, અહિયાં નજીકમાં કોઈ નાની કલીનીક પણ નથી અને તમે સરખું ચાલી પણ નથી શકતા તો ઘરે કઈ રીતે જશો ? મારી વાત માનો. હું તમને ખાઈ નહિ જાવ, આઈ એમ પ્યોર વેજીટેરીયન”, ઉર્વીલને આવા સમયે પણ મજાક સુજતી હતી.

તે યુવતી પાસે ઉર્વીલની વાત માની લેવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો આથી તેણે ડોકું ધુણાવીને હા પાડી. તે યુવતીની એકટીવા ત્યાં બીજી દુકાન સામેના પાર્કિંગમાં પાર્ક કરીને પોતાની બાઈક પર તે યુવતીને બેસાડીને ઘરે લઇ ગયો.

ઘરે પહોચતાની સાથે જ ઉર્વીલે તેની મા ને બધી જ વાત કરી અને ઉર્વીલની માએ તે યુવતીને કોણી પર ઘા સાફ કરીને પાટો બાંધી દીધો. પગમાં મુઢમાર વાગ્યો હોવાના કારણે એક કપડું થોડું ગરમ કરીને ત્યાં શેક કરી દીધો, હળદર અને ગોળની ગોટી કરીને તે યુવતીને પરાણે ખવડાવી દીધી જેથી તેને વાગેલા મુઢમારનો દુખાવો મટી જાય, અને માથા પર હાથ ફેરવીને કહ્યું, “આવતી કાલ સુધીમાં તો તું સાજી થઇ જઈશ દીકરી. ચિંતા નહિ કર. અને હવે જમીને જ જજે. ઉર્વીલ તને મૂકી જશે.”

તે યુવતીની આંખોમાં આંસુ હતા. જે રીતે ઉર્વીલની મા તેને સાચવી રહી હતી તે જોઇને તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યાં ઉર્વીલ તેને રડતા જોઈ ગયો અને બોલ્યો, “હાયલા !! નાક પર ગુસ્સો લઈને ફરતી લેડી ગબ્બરને રડતા પહેલીવાર જોઈ.” અચાનક આવું બોલેલા ઉર્વીલના શબ્દો સાંભળીને તે યુવતી રડતા રડતા હસી પડી અને ત્યારબાદ બધાય જમવા બેઠા.
“અચ્છા ! લેડી ગબ્બર તમારું નામ શું છે એ તો કહો ?”, ઉર્વીલ રાત્રે તે યુવતીને બાઈક પર બેસાડીને તેને ઘરે મુકવા જઈ રહ્યો હતો અને ત્યારે તેણે આવો સવાલ કર્યો.
“લેડી ગબ્બર !”, તે યુવતીએ એની જ ભાષામાં જવાબ આપ્યો અને હસી પડી.
“એ તો મેં પાડેલું નામ છે. તમારું સાચું નામ શું છે એમ પૂછું છું.”, ઉર્વીલે ફરી પૂછ્યું.
“તમે તો સવારે કહેતા હતા ને કે કિસ્મતએ ભેગા કર્યા એન્ડ ઓલ બુલશીટ્ટ થિંગ્સ. તો એ કિસ્મતના સહારે નામ શોધી લેજો.”, તે યુવતી હવે ઉર્વીલની પુરેપુરી ખેંચી રહી હતી.
“સારું. એઝ યુ વિશ. પણ તમે આજે આટલી ઉતાવળમાં કેમ હતા ?”, ઉર્વીલે વાત બદલતા પૂછ્યું.
“નોકરીના ઈન્ટરવ્યું માટે, આગળથી જમણી બાજુવાળી લેજો ત્યાં મારું ઘર આવી ગયું.”, તે યુવતીએ કહ્યું.
“ઓકે ! આવજો. અને માફ કરજો મારા કારણે તમને આટલી તકલીફ થઇ અને તમારી એકટીવા કાલ સવારે તમે ત્યાંથી લઇ લેજો. મારે તો આવતી કાલ સવારની બેંગ્લોરની ફ્લાઈટ છે. તમને મળીને આનંદ થયો.”, ઉર્વીલ એકદમ વિનમ્ર બનીને વાત કરી રહ્યો હતો.
“ઓકે ! થેંક્યું ફોર એવરીથીંગ. બાય”, અને તે યુવતી પોતાના ઘરમાં ચાલી ગઈ.

પાછા ફરતી વખતે જ બીચ પાસેથી પસાર થતી વખતે જ અચાનક ઉર્વીલનું ધ્યાન ગયું અને અંબર ત્યાં કોઈક છોકરાને હગ કરીને કિસ કરી રહી હતી. ઉર્વીલની બાઈકને જાણે એની જાતે જ બ્રેક લાગી ગઈ હોય એમ બાઈક ત્યાં જ ઉભી રહી ગઈ. 

ઉર્વીલે સીધું ત્યાં જવાના બદલે અંબરને ફોન કર્યો, “હાય અંબર ! ક્યા છે તું ?”
“હું મમ્મી જોડે શોપિંગ કરવા આવી છું.”

વધુ આવતા અંકે...

ગુરુવાર, 22 ડિસેમ્બર, 2016

અધૂરું સ્વપ્ન / ભાગ - ૨

પોલીસ ઉર્વીલને લઈને અંદર આવી ગઈ અને ઉર્વીલને અંદર બેસાડી અને ચાલી ગઈ. ઉર્વીલ મનમાં વળીવળીને એ ઘટનાને યાદ કરી રહ્યો હતો જયારે તે રિપોર્ટરએ દુઃખતો સવાલ કર્યો. તેની નજર સામે થોડા કલાકો પહેલા બનેલી એ બધી ઘટના એક ફિલ્મની જેમ ચાલવા લાગી. અંબરનો એ નિસાસો નાખતો ચેહરો જેમાં આંખો હજુ પણ ગુસ્સેથી લાલ હતી. અઢળક સવાલો હતા. શું જવાબ દેશે અંબરને ? કેટકેટલા ખુલાસા કરવા પડશે ? એ ખુદ ઉર્વીલ પણ નહોતો જાણતો પરંતુ તેમ છતાય તેને એકવાર અંબરને ફોન કરવાનું ઠીક સમજ્યું અને અંબરને ફોન લગાવ્યો.

૪ રીંગ કરી હોવા છતાય અંબરનો ફોન રીસીવ નાં થયો એટલે ઉર્વીલએ ઘરના નંબર પર ફોન લગાવ્યો પરંતુ ઘરનો ફોન પણ કોઈએ ઉચક્યો નહિ. થોડીવાર માટે ઉર્વીલને થયું કે અંબર ગુસ્સે હશે એના કારણે ફોન નહિ ઉપાડતી હોય એટલે થોડીવાર માટે શાંતિથી ત્યાં જ બેઠો રહ્યો પરંતુ અચાનક નેગેટીવ વિચારોએ ઉર્વીલના મગજમાં ભરડો લીધો. જેમ અત્યારે થયું એમ કદાચ અંબરને પણ થયું હશે કશુય ? શુ હશે ? અને ત્યાં જ તેણે તેના ઘરમાં રાખેલા નોકરને ફોન કર્યો. નોકરે જણાવ્યું કે તે આજે રજા પર છે. અંબરભાભીએ મને આજે રજા લેવાનું કહી દીધું એટલે તે તો સાંજ પહેલા જ નીકળી ગયા હતા. હવે ઉર્વીલનું ટેન્શન વધ્યું હતું. એટલી જ વારમાં નર્સ ઓપરેશન થીયેટરમાંથી બહાર નીકળી અને ઉર્વીલ ઉભો થઈને સીધો જ નર્સ પાસે જાણવા ઉભો થઇ ગયો કે તે ઠીક તો થઇ જશે ને ?

“સર ! હજુ ઓપરેશન ચાલુ છે. ડોક્ટર અંદર છે. હું તો ફક્ત મારી ડ્યુટી કરું છું સર. પણ આશા રાખો, તેમને કશું નહિ થાય.”

ઉર્વીલ એકદમ ઠંડોગાર બની ગયો. એકતરફ અહિયાંનું ટેન્શન અને બીજી તરફ અંબર ફોન નથી ઉપાડતી એનું ટેન્શન...
==***==***==
“ઉર્વીલ ! ઉર્વીલ ! ચલ જલ્દી બેટા ! ઉભો થા. કેટલુક સુવું છે તારે ? આમ જો બેટા તારે ઓફીસ જવાનું લેટ થઇ જશે દીકરા. ચલ જોઈ ઉભો થા.”, ઉર્વીલની મા તેને સવાર સવારમાં જગાડી રહી હતી.
“અરે મા સુવા દે ને, હું કેટલું સરસ મજાનું સપનું જોઉં છું.”, ઉર્વીલ ઊંઘમાં જ બબડ્યો.
“દીકરા ! સવારના ૧૦ વાગ્યા અને તારે ૧૦.૩૦ એ ઓફીસ પહોચવાનું છે બેટા”, ઉર્વીલની મા તેને હલબલાવીને બોલી.
૧૦.૩૦ સાંભળીને અચાનક જાણે મિલેટ્રીનો સૈનિક ટટ્ટાર ઉભો હોય એવી રીતે ઉર્વીલ પોતાની પથારીમાં બેઠો થઇ ગયો અને ફટાફટ બાથરૂમ તરફ ભાગ્યો.

ઉર્વીલ એકદમ સામાન્ય પરિવારનો છોકરો હતો. પિતા એક સરકારી બેંકમાં ક્લાર્ક અને માતા ગૃહિણી હતા. બંનેનું એક માત્ર સંતાન એટલે ઉર્વીલ પંડ્યા. ગ્રાફિક્સ ડીઝાઈનરનું ભણીને પોતાની એક એજંસી ખોલવા માગતો હતો. ગ્રાફિક્સ ડીઝાઈનરમાં તેનું ફોકસ એટલું બધું હતું કે તેના દ્વારા તે આર્ટ ડીરેક્ટર બનવાનું સપનું સેવી રહ્યો હતો. ઘરમાં ભણવા બાબતની ફૂલ છૂટછાટથી તે પોતાની મરજીથી ભણ્યો હતો અને ગ્રાફિક્સ ડીઝાઈનરનો કોર્સ કરવા માટે સ્પેશીયલ કેનેડા ગયો હતો. પિતાની મર્યાદિત આવક છતાય પિતાએ ક્યારેય તેને રોક્યો નહોતો. પિતાએ પોતાનું ઘર ગીરવે મુકીને તેને કેનેડા મોકલ્યો હતો અને ઉર્વીલ ત્યાં ભણતો જતો હતો અને જોડે કશીક પાર્ટ ટાઈમ જોબ કરીને પોતાનો ખર્ચો જાતે જ કાઢતો જતો હતો જેથી પિતાના ખભા પર ક્યારેય પૂરી જવાબદારી આવી જ નહોતી. ડીઝાઇનીંગનો ૩ વર્ષનો ફૂલ પ્રૂફ કોર્સ કરીને ઉર્વીલ એકદમ તૈયાર થઇ ચુક્યો હતો. ભણવામાં હોશિયાર હોવાના લીધે તેમાં સારા એવા માર્ક્સ સાથે ક્લીયર હતો આથી તેને ત્યાં કેનેડામાં જ જોબ મળી હતી પરંતુ તેને ભારતમાં આવીને મમ્મી પાપા જોડે રહેવાની ઈચ્છા હોવાથી ત્યાંથી જોબને ઠુકરાવીને ભારત આવી ચુક્યો હતો. ઉર્વીલના આ નિર્ણયને તેના પિતાએ રાજીખુશીથી સ્વીકારી લીધો હતો કારણ કે બહાર રહેલો હોવાથી અને પોતે પોતાની જાતને સંભાળી શકતો હોવાથી તેણે કશુક વિચારીને જ નિર્ણય લીધો હશે એવું માની લીધું હતું.

શરૂઆતમાં તો ઉર્વીલની માર્કશીટના આધારે મુંબઈમાં જ સારી એવી જોબ મળી ગઈ હતી પરંતુ ઉર્વીલના દરરોજ મોડા જવાના કારણે તેની ઇમ્પ્રેશન કંપનીમાં ખરાબ હતી. આજે પણ એવું જ કાંઇક બન્યું હતું. ઉર્વીલ સપનાઓ જોવામાં જ રહ્યો અને ઓફીસનો ટાઈમ નીકળી ચુક્યો હતો. ઓફીસમાં પહોચતાની સાથે જ આજે તેના બોસે તેને પાણીચું પકડાવી દીધું હતું. જોબમાંથી છૂટો કરી દીધો હતો અને ઉર્વીલ કશું પણ બોલ્યા વગર બિન્દાસ્ત ત્યાંથી ઘરે પાછો આવતો રહ્યો હતો. જોબ જતી રહેવાનું સહેજ પણ દુઃખ કે નીરાશાના ભાવ તેના ચહેરા પર દેખાતા નહોતા. તે તો બસ બિન્દાસ્ત ઘરમાં બેસીને ટીવી જોઈ રહ્યો હતો એમાં જ એના પિતા દાખલ થયા અને બનેલી ઘટના વિષે ખબર પડી. થોડા ગુસ્સે થઈને તેઓ ચુપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને ઉર્વીલ ટીવી બંધ કરીને તેની પાછળ પાછળ ગયો.

“પાપા ! એક વાત કહેવી હતી. હું આ નાની-મોટી નોકરીઓ કરવા માટે નથી સર્જાયો પાપા. મારે કશુક સર્જન કરવું છે. કશુક નવું બનવું છે. આ રૂટીન ટાઈમવાળી નોકરી મારાથી નહિ થાય પાપા, હું તમને નારાઝ કરવા નથી માંગતો પરંતુ હું પોતે આ નોકરીથી ખુશ નહોતો એટલા માટે જ હું એના પર પૂરું ધ્યાન નહોતો આપતો.”, ઉર્વીલ એક સમજદાર વ્યક્તિની જેમ બોલી રહ્યો હતો.

“બેટા ! તારા ભણવામાં અને તને સેટ કરવા માટે થઈને આ ઘર ગીરવે મુકીને જે લોન લીધી છે એ કોણ ભરશે ? આવતા વર્ષે તો હું રીટાયર થઇ રહ્યો છું. હું પેન્શન પર આવી જઈશ અને તું આવી રીતે કરીશ તો ઘર કેવી રીતે ચાલશે બેટા ? તે એ વિચાર કર્યો છે કોઈ દિવસ ?”, ઉર્વીલના પિતા શાંતિથી બોલ્યા.

“પાપા, તમારી વાત સાચી છે. પરંતુ મને સંતોષ થાય એવી નોકરી મને મુંબઈમાં નથી દેખાઈ રહી. મને કશુક ક્રિયેટીવ કામ કરવું છે. કશુક એવું કામ કરવું છે કે જેનાથી લોકો મને ગુગલમાં શોધે, ફેસબુકમાં નહિ. અને એવું કોઈ કામ હું કરીને રહીશ. પરંતુ અત્યારે તમારી એ ચિંતાને દુર કરવાની જવાબદારી મારી બને છે. હું એ પૂરી કરીશ પાપા. હું બેંગ્લોર જવા ઈચ્છું છું. ત્યાં મને એક સારી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મળી શકે તેમ છે. હું ત્યાં જતો રહું ? મહિનામાં એક – બે વાર હું તમને બંનેને મળવા મુંબઈ આવતો રહીશ.”, ઉર્વીલ એવી રીતે બોલી રહ્યો હતો કે એના પિતાએ કોઈ પણ પ્રકારનો સવાલ ઉઠાવાની જરૂરિયાત જ નહોતી.

પાપાએ ખુશ થઈને હા પાડી અને તેને રજા આપી દીધી હતી. આખરે ઉર્વીલ બેંગ્લોર જતો રહ્યો.
==***==***==
જુહુ બીચ પાસે આવેલા કોફી કાફેમાં ઉર્વીલ આજે રાહ જોઈ રહ્યો હતો તેની થનાર ભાવી પત્નીની. મમ્મી પાપાએ પસંદ કરેલી છોકરી જોડે ઉર્વીલએ કશું પણ બોલ્યા વગર સગાઇ તો કરી લીધી હતી પરંતુ હજુ સુધી તે અંબરને પૂરી રીતે ઓળખતો નહોતો. ઇનફેક્ટ, હજુ સુધી તેણે ફક્ત એક થી બે વાર માંડ વાતો કરી હતી. આથી આજે બંનેએ એકબીજાને મળવાનું નક્કી કર્યું હતું.

થોડી જ વારમાં સ્કાયબ્લુ કલરનું ટોપ અને જીન્સ પહેરીને એક છોકરી દાખલ થઇ. હાથમાં મીની બેગ સાઈઝનું પર્સ, કાનમાં ઈમિટેશનવાળી એરિંગ અને ગળામાં સ્ટોન અને છીપલાંનો બનાવેલો નેકલેસ, આંખોમાં કરેલું કાજળ અને હોઠ પર કરેલી એકદમ લાઈટ લીપ્સ્ટીક, કર્લી કરેલા વાળ અને ચેહરા પરનું એ કુદરતી રીતે ઉપસી આવતું નુર અંબરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. અંબર ત્રિવેદી એકદમ સરળ અને શાંત સ્વભાવની છોકરી હતી જે પ્રાઈમરી સ્કુલમાં શિક્ષકની નોકરી કરતી હતી. સ્વભાવથી થોડી સંકોચાયેલી, પોતાની આડે મર્યાદાઓના પુલ બાંધેલી તેમ છતાય પહેલી નજરે ગમી જાય તેવું વ્યક્તિત્વ હતું.

ઉર્વીલ દુરથી જ તેને ઓળખી ગયો હતો અને તરત ઉભો થઈને હાથ મિલાવીને અંબર માટે ખુરશી સરખી કરી અને બેસવા માટે આમંત્રણ આપ્યું. થેંક્યુંના ભાવ સાથે અંબર ત્યાં બેસી ગઈ અને ઉર્વીલ પણ ગોઠવાયો. થોડી જ વારમાં કોફી પણ આવી ગઈ અને બંને વાતોએ વળગ્યા. બેઝીક પૂછપરછથી શરુ થયેલી વાતો ધીમે ધીમે આગળ વધતી જતી હતી. પોતાના શોખ, ફેમીલી, ટેવ – કુટેવ, આદતો, ભવિષ્યના સપનાઓ વગેરે બાબતોમાં ખુબ બધી ચર્ચાઓ થઇ ચુકી હતી અને બંને એકબીજા વિષે ખાસું એવું જાણી ચુક્યા હતા. બંને એકબીજાને ઓળખવાની કોશિશ કરી રહ્યા હતા એટલામાં જ અંબર બોલી ઉઠી.

“અહિયાં બેસીને જ બધી વાતો કરવી જરૂરી છે ? શું આપણે બીચ પર ચાલતા ચાલતા વાતો કરીશું તો તમને કશો વાંધો છે ?”
“નો, નોટ એટ ઓલ. ચાલો ત્યાં જઈએ. આમ પણ અહિયાં બેસી બેસીને હવે થાકી ગયા. થોડા પગ છુટા કરીએ.”, ઉર્વીલ એકદમ કેઝ્યુંઅલી બોલી ઉઠ્યો.
ઢળતી સાંજ થઇ ચુકી હતી. બીચ પર ફરવા આવેલા લોકો ધીમે ધીમે પોતાના ઘરે જવા માટે નીકળી રહ્યા હતા અને બીચ ખાલી થતો જતો હતો. ઉર્વીલ અને અંબર શાંતિથી દરિયાકિનારે ચાલતા હતા અને ચાલતા ચાલતા ક્યારેક બંનેના હાથ એકબીજાને સ્પર્શ કરી જતા હતા પરંતુ બેમાંથી કોઈ કશું બોલતું નહોતું. આખરે અંબરએ વાત શરુ કરવા એમ જ પૂછ્યું.
“ઉર્વીલ શબ્દનો અર્થ શું થાય ?”
સમુંદર, દરિયો”, ઉર્વીલે જવાબ આપ્યો.
“અને અંબર એટલે આકાશ, બંને ક્યારેય મળતા નથી.”, અંબર જાણે કોઈ કોયડા રચતી હોય એ રીતે બોલી.
“અચ્છા ?”, અને અચાનક ઉર્વીલે અંબરનો ખભો પકડીને તેને દરિયામાં દુર સુધી નજર કરવા કહ્યું.
“ત્યાં જોઈ રહી છે અંબર ? સામે દુર... શું દેખાઈ છે તને ? આંખોથી દુર જ્યાં આપણી નજર પૂરી થઇ જાય છે ત્યાં તો સમુંદર અને આકાશ પણ મળી જાય છે, જેમ નસીબે આપણને મેળવ્યા છે”, ઉર્વીલએ એકદમ રોમેન્ટિક અદામાં જવાબ આપ્યો જે અંબરને ખુબ જ ગમ્યો. પરંતુ તે એમ આસાનીથી વાત પૂરી કરવા માંગતી નહોતી એટલે તેણે ઉર્વીલને વધુ ગૂંચવી નાખવા માટે ફરી બોલી ઉઠી.
“જ્યાં આકાશ અને સમુંદર મળી જાય છે ત્યાં દુનિયા ખતમ થઇ જતી હોય છે ઉર્વીલ”, અંબર એકદમ હળવેથી પોતાના શ્વાસ વડે બોલી.
ઉર્વીલે ફરીવાર પોતાની સેન્સ ઓફ હ્યુમરનો પરચો બતાવવા સીધો જ રોમેન્ટિક થઈને જવાબ આપ્યો, “શું તું પહેલેથી જ આટલી ખુબસુરત અને રોમેન્ટિક છે કે પછી વક્તને કિયા કોઈ હસી સિતમ ફિલ્મી ટાઈપ ?”
“પહેલેથી જ”, અંબર હસતા હસતા ઉર્વીલને ધક્કો મારીને દોડવા લાગી અને ઉર્વીલ તેને પકડવા માટે પાછળ દોડ્યો.
==***==***==
ઉર્વીલની તંદ્રા તૂટી જ્યારે ડોકટરે તેને હલબલાવી નાખ્યો. અને સફાળો ઉભો થઈને ડોક્ટરને પૂછવા લાગ્યો.

“જુવો મિસ્ટર ઉર્વીલ, અત્યારે અમે તેના ગળામાં ટ્યુબ તો ફીટ કરી દીધી છે જેથી તે હવે ટ્યુબ વડે શ્વાસ તો લઇ શકશે પરંતુ હજુ એની પરિસ્થિતિ વિષે કશું પણ કહી શકાય તેમ નથી. તેને હજુ હોશમાં આવતા ૪-૫ કલાક લાગી શકે એમ છે. એ પછી જ પૂરેપૂરો ખ્યાલ આવી શકશે.”, ડોક્ટર આટલું કહીને જતા રહ્યા.

ઉર્વીલ ત્યાં જ ફસકી પડ્યો. દીવાલ સાથે માથું ટેકવીને ઉર્વીલ ત્યાં જ સુઈ જવા માટે મહેનત કરી રહ્યો હતો. એટલામાં જ ફોન વાગ્યો અને જાણે ઉર્વીલ માટે એ બીજો ભૂકંપ લઈને આવ્યો.

“વ્હોટ !”

વધુ આવતા અંકે...